________________
આનું નામ ઉદારતા..
વિક્રમ સંવત ૨૦૫૫, વૈશાખ સુદ ત્રીજનો શુભ દિવસ છે. શ્રી સિદ્ધગિરિની ટોચે, દાદાનો દરબાર છે. આદિપ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી અભિષેક થવાનો છે. વર્ષમાં માત્ર એક વાર આ લહાવો લેવાય છે. વર્ષીતપના આરાધકોમાં આનો ખૂબ મહિમા છે. પહેલો અભિષેક કોણ કરે એની ઉત્કંઠા હોય છે. ભક્તોની ભારે ભીડ જામી છે. ચોતરફ વર્ષીતપના આરાધકો દેખાય છે. કોઈને ચાર ઉપવાસ થયા છે. કોઈને બે ઉપવાસ થયા છે. શ્રદ્ધાને સહારે આ બધા ભાવિકો, ગિરિરાજ ચડીને આવ્યા છે. સહુના મોં પર આ શ્રદ્ધાનું તેજ વિલસે છે. શેરડીના રસના અભિષેક માટેની બોલી શરૂ થઈ. આજનો અનેરો માહોલ કાંઈ અજબ-ગજબનો છે. શરૂઆત જ ઊંચી થઈ. જોતજોતામાં તો લાખો મણ સુધી પહોંચી. એક એક પાણ એક લાખની, એવું વાતાવરણ સર્જાયું... .. પુજા કરનારની વાટકી હાથમાં અદ્ધર રહી ! ચૈત્યવંદન કરનારની જીભ અટકી ! બધી જ શક્તિ આંખ અને કાનમાં કેન્દ્રિત થઈ ! કાન સરવા થયા, આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્ય અને કૌતુકથી મિશ્ર ભાવોમાં બધા તરવા લાગ્યા ! બોલી આગળ આગળ વધતાં, બે મહાનુભાવો વચ્ચે દોર ચાલતો રહ્યો. ચાર લાખ મણ... ચાડા ચાર... પાંચ લાખ મણ... આ જ રીતે હરણફાળે કૂદકા ભરવા લાગ્યા. (પાંચ રૂપિયે એક મણ પ્રમાણેનો શિરસ્તો શેઠ આ. ક. પેઢીમાં છે) પાંચલાખ પચાસ હજાર મણ ઘી બોલાયું. સાંભળનારા લોકો આટલી મોટી બોલીના રૂપિયા કેટલા થયા તે ગણવા લાગ્યા ! જે ખરચે છે તે ગણતા નથી અને જે ગણે છે તે નથી ખરચી શકતા! છેવટે છ લાખ મણ ઘી બોલાયું! પેઢીના ચોપડા લખાય છે ત્યારથી કોઈ હોલ્ડરથી આ આંકડો ચોપડે લખાયો નથી. પહેલી જ વાર આ આંકડો ચોપડાને શોભાવવાનો હતો. બોલી અટકી. એક વાર... બે વાર... ત્રણ વાર...કહીને આદેશ્વર ભગવાનની જે બોલાઈ. આદેશ અપાયો. લાભ લેનારના ઘેર ત્રણ બહેનોને વર્ષીતપના પારણા હતા. કુટુંબ મોટું હતું અને પરિવાર પણ બહોળો હતો. આદેશ મળતાવેત બધા નાચવા લાગ્યા. નાના બાળકથી લઈ મોટા બધા હર્ષવિભોર બની ગયા. આદેશ લેનારને પેઢી તરફથી, પ્રભુજીના પ્રક્ષાલ માટે અગિયાર પાસ આપવામાં આવ્યા. અગિયાર જણા સર્વ પ્રથમ દાદાને શેરડીના રસથી અભિષેક કરી શકશે. પાસ જેવા હાથમાં આવ્યા તેવા તરત જ એમાંથી ચાર પાસ, જે ભાઈ પાંચ લાખ પચાસ હજાર મણની બોલી બોલ્યા હતા તેમના હાથમાં આપ્યાં. પેલા ભાઈ તો આભા જ બની ગયા ! માન્યામાં ન આવે એવી વાત છે, બોલ્યા : ભાઈ આ શું કરો છે ? આદેશ તમે લીધો છે, વિશાળ પરિવાર છે. આટલા બધા પાસ ન હોય, એક આપો, ઘણું કહેવાય. જ્વાબ મળ્યો : ના રે ના, તમે તો મારો ઉપકારી છો. આટલો મોટો લાભ અમને તમારા કારણે મળ્યો. ના ના પાડતા રહ્યા અને ચાર પાસ આપી દીધા. સ્વજનો પણ વિમાસતા રહ્યા. આને ઉદારતા કહેવાય. પૈસાની ઉદારતા એ જ ઉદારતા નથી પણ મનની ઉદારતા તે ઉદારતા. કરેલો ધર્મ પરિણત થાય ત્યારે આવા ગુણોની ખીલવણી થાય છે. આ દ્રશ્ય જોનારા ભાવિકોના હૈયા આ બન્નેને વંદી રહ્યા.
૨૬૨: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org