________________
આવી ઊંડી શાન્ત વૈરાગ્યદશાને પ્રણામ !
વાત માન્યામાં આવે કે ન આવે; પણ માનવાથી આપણા અંદરનું અંધારું થોડું ઉલેચાય, એવી વાત છે. વાત બૌદ્ધ સાધુની છે અને તેમાં રહેલો વૈરાગ્ય તો, પ્રેરણાની પરબ જેવો છે, જ્ઞાનીઓને તો, ખરતા પાન પાસેથી પણ શીખવાનું કહ્યું છે.
માતા-પિતા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પુત્રને પણ એ સંસ્કાર મળ્યા. સાધુનો સમાગમ સત્ને જગાવે છે. અંદર પડેલું સત્ જાગ્યું; સાધુતા ગમી ગઈ. ગમતું મેળવ્યા વિના, મનને આરામ નથી થતો. સાધુ થયા. સાધુ થયા પછી સાધુતાના પરિણામ ટકાવવા માટે સાધુતાથી ભર્યા-ભર્યા પુરુષોની વાણી જ, વાડ, ખાતર અને વારિનું કામ કરે છે. તેની લગની લાગી અને દિવસ-રાત એના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. જ્યાં-જ્યાંથી જે-જે વિષયનું જ્ઞાન મળે, તે બધું મેળવવા માંડ્યા.
પોતે જે ગામમાંથી દીક્ષા લીધી હતી ત્યાં, મોટો બૌદ્ધ વિહાર હતો. ગામની અલગ-અલગ વ્યક્તિઓએ એમાં એકએક ઓરડી ભેટ કરી હતી. એમાં, આ સાધુ મહારાજના પિતાનું પણ યોગદાન મહત્ત્વનું હતું. તેમની એક ઓરડી તો હતી જ, ઉપરાંત, એ વિહારમાં આગંતુક સાધુની સેવા-શુશ્રુષા કરવી, એ પણ તેમનું નિત્ય કર્તવ્ય હતું. પિતા તો સ્થિતપ્રજ્ઞ કક્ષાના પુરુષ હતા પરંતુ માતાને મમતા હતી.
વિહારના વ્યવસ્થાપક અધ્યાપકને માતા હંમેશા કહ્યા કરતી કે, મારા દીકરા તમને મળે તો કહેજો ‘બાર બાર વર્ષ થયા, હવે એક વાર તો આ તરફ આવીને અમને દર્શન આપો.' અધ્યાપકે આ વિનંતિ મનમાં રાખી અને બહારગામ અન્ય વિહાર–સ્થાનોમાં જવાનું થયું અને એ યુવાન ભિક્ષુ મળ્યા ત્યારે, એમને આમંત્રણ આપ્યું. સાધુ કહે : ‘આપની આજ્ઞા છે તો તે તરફ આવવાનું જરૂર વિચારીશ.’
અને એ સમય પણ આવ્યો. વિચરતાં-વિચરતાં એ સાધુ પોતાના ગામના વિહાર-સ્થાનમાં ગયા. યોગાનુયોગ, એમના પિતા હસ્તકની ઓરડીમાં જ રહેવાનું થયું. પિતાએ, એ ઓરડી ખોલી આપી અને આ સાધુ એ સ્થાનમાં બરાબર એક મહિનો રહ્યા. ભિક્ષા લેવા માટે, પોતાના ઘરે રોજ જવાનું બનતું, માતાના હાથે રોજ ભિક્ષા સ્વીકારતા ! એક મહિનાની મર્યાદા પૂરી થતાં ફરી ગ્રામાનુગ્રામ વિચરતાં આગળ
Jain Education International
:
વધ્યા. રસ્તે પેલા અધ્યાપક ફરી મળ્યા. અધ્યાપકે પૂછ્યું જઈ આવ્યા ? ત્યાં રહ્યા હતા ? તમારી માતાના ઘરે જતા હતા ?’ બધા પ્રશ્નોના જવાબ હકારમાં મળ્યા.
અધ્યાપક પાછા પોતાને ગામ આવ્યા ત્યારે, એ યુવાન સાધુના માતાને મળ્યા. માતાએ અધીરાઈથી પૂછ્યું : ‘મારો દીકરો મળ્યો હતો ? એને કહેજો ને, આ તરફ આવે. એને જોયાં બહુ વર્ષો થયાં.’
અધ્યાપકને આ સાંભળી હસવું આવ્યું. હસતાં જોઈ માતા ઝંખવાયાં. અધ્યાપક કહે : ‘માઈ ! તમારો દીકરો તો અહીં આવીને રહી ગયો. તમારી ઓરડીમાં જ રહ્યો હતો. રોજ-રોજ તમારા ઘરે ભિક્ષા માટે પણ, આવતો હતો. તમે એને ન ઓળખ્યો ?'
માજી તો આ બધા શબ્દો સાંભળતા અવાક્ થઈ ગયાં ! પગ તળેથી ધરતી સરકતી લાગી ! કહે : ‘શું બોલો છો ? તે અહીં એક મહિનો રહી ગયો ? મારે ત્યાં રોજ આવતો હતો એ શું એ જ હતો ? અહો ! મને તો અણસાર સુદ્ધાં ન આવ્યો ! તે તો બધી રીતે બદલાઈ ગયો.’
માજી ત્યાં ઊભા રહીને દીકરો જે દિશામાં હોઈ શકે તે દિશામાં બે હાથ જોડી, માથું નમાવી ભાવથી પ્રણમી રહી. ગદ્ગદ્ સ્વરે બોલી : ધન્ય છે તેના વૈરાગ્યને ! જતનથી ઉછેરી મોટો કર્યો, એનાથી ચિરપરિચિત હતાં છતાં એણે અમને જરા જેટલો અણસાર પણ આવવા ન દીધો ! આવો તીવ્ર વૈરાગ્ય, આવો સહજ વૈરાગ્ય જેમના પ્રભાવે મળ્યો તેને પણ મારા ફ્રોડો પ્રણામ !'
આટલું વાંચ્યા પછી પણ, તમારે માનવું હોય તો જ માનજો. આવું હોઈ શકે તેવું સ્વીકારશો, તો જ આ સાચું માનવા પ્રેરાશો.
+++88 j*
જો માનશો તો, સાધકની અંતરંગ-ભૂમિકાનો ખ્યાલ તમને આવે, આવી શકે. અને તો, ક્યારેક આદર્શરૂપે આ વૈરાગ્યદશા તમારા ચિત્તમાં સ્થપાય. ચિત્તવૃત્તિનું ઊર્ધીકરણ થશે. એ જ તો સાધક-જીવનનું ધ્યેય છે.
રોજ-રોજ એ ઘરે જવું; છતાં નેત્ર-સંયમ, વાણી-સંયમ આવો કેળવવો એ કેટલી કપરી સાધના છે! આપણને શાલિભદ્ર મુનિવર યાદ આવી જાય !
For Private & Personal Use Only
ધન્ય તે મુનિવરા રે ! : ૧૦૯ www.jainelibrary.org