________________
જગત્શેઠ
“એકલા દયાળુ નવાબથી નહિ ચાલે. બંગાળ ઉપર મરાઠાઓ તૂટી પડવાની તૈયારીઓ જ કરી રહ્યા છે. પરદેશીઓનો પગપેસારો પણ કંઈ ઉપેક્ષા કરવા જેવો નથી. નખની ફાંસ પણ જો બળવાન દેહને બિમાર બનાવી મૂકે તો પછી પરદેશીઓના ત્રિશૂલ જ્યારે બંગાળની છાતી વીંધશે ત્યારે કાચાપોચા નવાબથી આ બંગાળનું રક્ષણ નહીં થાય.'' બર્દવાનના રાજાએ વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટ કરતાં કહ્યું.
સરફની નબળાઈ અને દુષ્ટતા વિશે કોઈને મતભેદ હોય એમ ન લાગ્યું. જગત્શેઠ પોતે સરફની વિરુદ્ધ છે, એમ સૌએ આગળથી જ માની લીધું હોય અથવા બીજું ગમે તે કારણ હોય, પણ સરફને પદભ્રષ્ટ કરવાની વાતમાં જગત્શેઠની સાથે સૌ એકમત થયા. ઇતિહાસ સરફને પદભ્રષ્ટ કરવા માટે એકલા જગત્શેઠને જ જવાબદાર માને છે, પણ બંગાળના જમીનદારોની સભામાં જ એ નિર્ણય થયો હતો, એની નોંધ એ જ ઇતિહાસમાં મળી આવે છે. જગત્શેઠનું સરફે અપમાન કર્યું હતું અને તેમના આશ્રયે રહેલી એક કન્યાને રંજાડી હતી, એ બાબત ભલે બહુ મતભેદ ન હોય, પણ બંગાળનું ભવિષ્ય સ્વતંત્ર પરીક્ષાની એરણ ઉપર ઘડાયું હતું એ નિઃસંદેહ છે.
સરફરાજ અપ્રિય થઈ પડ્યો હતો. પરંતુ તેની જગ્યાએ કોને બેસાડવો એ વિશે જમીનદારો એટલી સહેલાઈથી એકમત થઈ શક્યા નહીં. બંગાળને આજે એક એવા અધિકારીની જરૂર હતી કે જે રૈયત ઉપરનો કરભાર ઓછો કરે, પ્રજાનું પુત્રવત્ પાલન કરે અને તે ઉપરાંત સમય આવ્યે કોઈની ઉપર આધાર ન રાખતાં, આક્રમણકારીઓની સામે તલવાર પકડી ઊભો રહે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org