________________
૭૪
જગત શેઠ
ઉષા રોજ કરતાં આજે વહેલી ઊઠી, ભાગીરથીના નીતર્યા જળમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતી સ્તબ્ધ બની આભને આરે ઊભી રહી. અનંત યૌવનના અભિમાને તેના મૃદુતાભર્યા મુખ ઉપર લાલિમા છવાઈ. મહિમાપુરનો ઘાટ એ વખતે નિર્જન હતો. રમતિયાળ શિશુ જેવી લહરીઓ ઘાટના પરિચિત પથ્થરને પંપાળતી પ્રવાહમાં પાછી મળી જતી. લહરીના અંગુલીસ્પર્શે નિર્મળ ઘાટ ઘડીભર રસિક બનતો અને મહિમાપુરના સુભાગી નરનારીઓના કાનમાં સનાતન ગીતના સૂર રેડતો.
અરીસામાં મોં નીરખતી યુવતીની જેમ ઉષા પણ પોતાનું ભાન ભૂલી ગઈ. લજ્જા, ગર્વ અને તૃપ્તિના કુંળા રંગો તેના વદન ઉપર રેલાઈ રહ્યા. ઉત્તર તરફથી પવનવેગે વહી આવતી નૌકા ઉપર તેની દૃષ્ટિ ન પડી હોત તો કોણ જાણે ક્યાંય સુધી તે ત્યાં ને ત્યાં જ થંભીને ઊભી રહેત. નૌકાનો આરોહી રખેને જોઈ લેશે એવા ભયથી, શિથિલ વસ્ત્રોને સંકોરતી ઉષા આકાશના અંતઃપુરમાં ઉતાવળે ચાલી ગઈ. અરુણરાજ એનાં પગલાં સાંભળી ચમક્યો અને અલસનેત્ર ખોલી આસપાસ જોઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org