________________
જગત્શેઠ
૬૧
સરફ ફાટી આંખે આ નવા આવનાર સામે જોઈ રહ્યો. એ જગત્શેઠ ફતેહચંદ હતા. કોઈ દિવસ નહીં અને આજે જ મોડી રાતે વિલાસમાં વિઘ્ન નાખવા સિવાય જગત્શેઠના આગમનનો બીજો શું આશય હોઈ શકે ? સરફ પોતાના સ્વચ્છંદમાં પોતાને સ્વતંત્ર સમજતો. વિલાસના વિષયમાં કોઈને જવાબ આપવાનો હોય એ તેને હજી સમજાયું જ ન હતું. વહીવટ કે વ્યવસ્થા સંબંધી જગશેઠની હાજરી કે સલાહની જરૂર હોઈ શકે, પણ ભોગવિલાસમાં જગત્શેઠ જેવો શહેરી માથું મારે એ તેને અસહ્ય લાગ્યું. નવાબી એટલે જ રંગરાગ અને નિરંકુશતા, એમ તે નાનપણથી શીખ્યો હતો અને એ અભ્યાસના દોષને લીધે તેણે જનાનખાનામાં એટલી બધી બેગમો ભરી હતી કે વીશ વરસ પછી અંગ્રેજોએ જ્યારે એ જનાનખાનાનો કબજો લીધો અને બેગમોને વર્ષાસન બાંધી આપવાનો ઠરાવ થયો, ત્યારે અંગ્રેજ અધિકારીઓ સરફની બેગમોની સંખ્યા જોઈ દિગ્મૂઢ બની ગયા હતા. વિષયના આવા જંતુને જગત્શેઠની આકસ્મિક હાજરી ત્રાસરૂપ થાય એ સ્વાભાવિક છે.
એક તો નિરંતરની નિરંકુશતાને લઈને તે નબળો પડ્યો હતો, બીજું નીરૂ જેવી એક સાધારણ સ્ત્રીએ તેની સામે તેની પોતાની જ છરી ઉગામી હતી અને એ બધું અધૂરું હોય તેમ જગશેઠ ફતેહચંદ, અકાળે ચડી આવતા વાવાઝોડાની જેમ ચડી આવ્યા. સરફરાજના દિલમાં ધગધગતું તેલ રેડાયું. તે સફાળો બેઠો થયો અને અંતઃપુરમાં એકદમ ધસી આવવાનું કારણ પૂછવા જતો હતો, એટલામાં જ જગત્શેઠે નીરૂને સંબોધીને કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org