________________
જગત્શેઠ
૩૧
‘“એક માત્ર માણસજાતને જ સર્જનહારે આટલી દુર્બળ કેમ બનાવી ? જગત્ની રંગભૂમિ ઉપર પ્રકૃતિના અસંખ્ય સત્ત્વો પોતપોતાના ભાવ ભજવી જાય છે, પણ કોઈમાં પાછું ફરીને નિહાળવાની નબળાઈ નથી. પર્વતમાંથી વહેતું ઝરણ પોતાના ભવિષ્યને જ ભાખે છે, એક વાર છૂટ્યા પછી તે પાછું વાળીને જોતું નથી. ચંદ્ર અને સૂર્યનાં કિરણો વરસે છે, પણ તેમને પાછાં સૂર્ય કે ચંદ્રમાં સમાવાની ઉતાવળ નથી. કેવળ માણસના હૈયામાં જ આવી તાલાવેલી કેમ રહેતી હશે ?'' જગત્શેઠ જોઈ રહ્યા કે મુર્શિદ-ખાંને કોઈ અણચિંતવી વ્યથાએ કવિત્વ પ્રેર્યું હતું. યુદ્ધ અને મહેસૂલના વાતાવરણમાં જિંદગી ગાળનાર પુરુષ આજે આકાશમાં ઊડવા કલ્પનાની પાંખ ફફડાવતો હતો. મુર્શિદ-ખાંનું કવિત્વ બરાબર ન સમજાયું. પણ શબ્દને ભેદી, મુર્શિદના સારાય દેહને કંપાવતી વ્યથા છૂપી રહી શકે એમ ન હતું.
“મંદિર, પુનર્જન્મ, પ્રકૃતિ એ બધા વિષયો આપની પાસેથી હું આ પહેલી જ વાર સાંભળું છું. યૌવન અને કવિતાનો મેળ તો મળે, પણ આ વૃદ્ધવયે, આ માંદગીના બિછાનામાં કંઈક અદ્ભુત જેવું ભાસે છે.’’
“જગત્શેઠ ? તમને એમાં કવિત્વ લાગશે. કારણ કે તમે હિંદુ તરીકે જન્મ્યા છો અને હિંદુ તરીકે જીવી શક્યા છો. તમને અમારી જીવનકથા અદ્ભુત ભાસશે, કારણ કે તમે જન્મીને એવી કોઈ વસ્તુ નથી ગુમાવી કે જેને લીધે તમને તમારું જીવન આકરું થઈ પડે. આ હૃદય ચીરીને જુઓ : તમને જણાશે કે ત્યાં એકી સાથે સો વીંછી ડંખ મારી રહ્યા છે. કીડીનો ચટકો જેણે અનુભવ્યો નથી, તે વીંછીના ડંખની વેદના કઈ રીતે સમજી શકે ?”” મુર્શિદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org