________________
૨૦
જગશેઠ બેસી ઉજાગરા સેવવામાં પણ એનો એ જ માણેકચંદ હતો. છતાં આજે તે પાપના પ્રલોભનમાં પડ્યો. ખુલ્લી રીતે તેણે બંગાળની સૂબેદારી માગી હોત તો શું મુર્શિદ-કુલી-ખાં એક ઘડીનો પણ વિલંબ કરત? અને આ નામમાત્રની નવાબીમાં એવી કઈ વસ્તુ છે કે સમજદાર માણસ તેને તજવામાં આનાકાની કરે ? બાદશાહો નામના છે, નવાબો નામના છે, એ બધાની પાછળ કોઈ જુદી જ વ્યક્તિ અને જુદી જ સત્તા કામ કરી રહી છે. આજે તો ખરેખરા કાર્યદક્ષ કોઈ હોય તો અંગ્રેજ વેપારીઓ છે. એ વેપારીઓ જ રાજતંત્રને સ્વેચ્છા પ્રમાણે ચલાવી રહ્યા છે. માણેકચંદ પણ શું અંગ્રેજ વેપારી જેવો સ્વાર્થી અને દગાબાજ નીવડ્યો ?
મુર્શિદ-કુલી-ખાંના પ્રાસાદભુવનના પગ પખાળતી ભાગીરથી વહેતી હતી. સારી વિશ્વપ્રકૃતિ સ્તબ્ધ બની એ કલકલનાદ સુણતી. મુર્શિદ-કુલી-ખાં આજે એ તરફ બેપરવા હતો. તેણે ભાગીરથીના કલકલ શબ્દમાં પણ કોઈ નિરાશ મિત્રના કરુણ રુદનસ્વર સાંભળ્યા. બાગનાં પુષ્પોની સુવાસ વહેતો વાયુ પણ જાણે પ્રપંચની બદબોથી ભરેલો હોય એવો ભાસ થયો.
તે બંગાળ ને બિહારનો સ્વામી હોવા છતાં, તેને ઘર કે કુટુંબ જેવી કોઈ વસ્તુ ન હતી. તેની વીરતા અને બુદ્ધિ જેટલી કેળવાયેલી હતી, તેટલું તેનું અંતર સ્નેહ કે વાત્સલ્યથી ભીંજાયું ન હતું. તેના માતાપિતા કોણ હતા અને આજે ક્યાં હશે તે પણ પૂર્વભવના જેવું જ રહસ્યમય બની ગયું હતું. તેને માત્ર એક જ પુત્રી હતી. તે દાસ-દાસીઓ વચ્ચે ઊછરતી. મુર્શિદ-ખાંએ તેની ચિંતા લગભગ મૂકી દીધી હતી.
મુર્શિદ-ખાં પ્રાસાદભુવનના આ ભાગમાં ભાગ્યે જ આવતો. તે મોટે ભાગે અધિકારીઓ અને જમીનદારોથી વીંટળાયેલો રહેતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org