________________
જગશેઠ
૧૨ માણેકચંદ શેઠના અતુલ વૈભવે, ગંગાના પૂરની સાથે સ્પર્ધા કરતા તેમના ધનપ્રવાહ, ભાગીરથીના કાંઠે જોતજોતામાં મુર્શિદાબાદ ઊભું કરી દીધું.
આટલે દિવસે હીરાનંદની તપશ્ચર્યા ફળીભૂત થઈ. નાગોરથી નિઃસહાય નીકળેલા હીરાનંદનો પુત્ર, બંગાળ અને દિલ્હીના રાજતંત્રમાં એક તેજસ્વી નક્ષત્રની જેમ પ્રકાશી રહ્યો. ભલભલા નવાબો, દીવાનો, સરદારો અને અંગ્રેજી કંપનીના આગેવાનો તેની સલાહ અને કૃપા માટે ઝંખતા. હીરાનંદે જે સ્વપ્નસૃષ્ટિ રચી હતી, તે માણેકચંદે યથાર્થ કરી બતાવી. અઢારમી સદીના બંગાળના ઈતિહાસમાં જગત્શેઠની જોડીનો કોઈ બીજો પુરુષ જડતો નથી. ગરીબ પિતાનો એ કુબેરભંડારી સમો પુત્ર, અલક્ષપણે બંગાળ, બિહાર ને ઓરીસાનો ભાગ્યવિધાતા બની રહ્યો.
હીરાનંદને બીજા પાંચ પુત્રો તથા એક પુત્રી હતી. એક માણેકચંદ અને તેની બહેન ધનબાઈ સિવાય જગશેઠની વંશાવલી લગભગ મૌન છે. ચંદ્રના તેજમાં તારક તેજ જેમ નિપ્રભ જણાય, તેમ માણેકચંદ અને બહેન ધનવતીના તેજમાં બીજા ભાઈઓ આચ્છાદિત થઈ ગયા હોય એ સંભવિત છે. જગતુશેઠના વંશજોએ ઇતિહાસના અઢારમા સૈકામાં, હિંદુસ્તાનના દૂર દૂરના પ્રદેશોમાં જે શરાફી પેઢીઓ ખોલી હતી અને એ પેઢીઓના પ્રતાપે જગશેઠો જે રાજદ્વારી સન્માન, હક્ક અને ગૌરવ ભોગવતા હતા, તેમાં માણેકચંદ શેઠના ભાઈઓનો પણ પૂર્ણ સહકાર હોવો જોઈએ. કેટલાય આત્મભોગો ઈતિહાસના પાનાનો આશ્રય મેળવી અમર બની શકતા નથી. હીરાનંદના બીજા પુત્રોનો નીરવ આત્મભોગ નીરખી ઈતિહાસ આનંદમુગ્ધ બની થંભી ગયો હોય એમ કાં ન બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org