________________
જગશેઠ અને વૈભવીઓ કરતાં પોતે ઓછો ઉદ્યોગી, ઓછો શ્રદ્ધાળુ કે ઓછી અક્કલવાળો હતો ? ભાગ્યની આવી ક્રૂર મશ્કરી સામે તેને તિરસ્કાર છૂટ્યો. નાગોરીઓનાં મરણ નીચે છુંદાઈ મરવું તે કરતાં, દૂરના કોઈ પ્રદેશમાં જઈ માણસની માફક જીવવાની તેની અભિલાષા વધુ ઉગ્ર બની. પણ જેની પાસે ઝેર ઘોળી પીવાને માટે રાતી પાઈ ન હોય તે આવું સાહસ શી રીતે કરી શકે ?
નિરાશામાં ડૂબેલો હીરાનંદ ક્યાંય સુધી ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. રાત્રિનો અધિકાર જામતો ચાલ્યો. આકાશમાં ક્રમે ક્રમે ઊગતા તારાઓ હીરાનંદ તરફ મીટ માંડી રહ્યા. ભય અને શાંતિનું મિશ્રણ ઘોળાઈ રહ્યું.
હીરાનંદની આંખમાં ઉઘ ન હતી. તે ઉઘવા માટે આ તરફ ઘસડાઈ આવ્યો ન હતો. એટલું છતાં તંદ્રાએ આવી તેની ઉપર પોતાનો કાબૂ જમાવ્યો. જો આ બધું એમ ને એમ ચાલ્યું હોત તો હીરાનંદ કદાચ ત્યાં ને ત્યાં જ આખી રાત વીતાવી દેત, પણ ભાગ્યદેવી આજે એક પડદો ઊંચકવા માગતી હતી. હીરાનંદ સૂતો રહે એ તેને મંજૂર ન હતું. આ આખીયે લીલામાં હીરાનંદ મુખ્ય નાયક હતો. તેથી જ તેને નાગોરની બજારમાંથી ઘસડી આટલે સુધી બોલાવવામાં આવ્યો હતો. હીરાનંદને પોતાને તો એ વાતની કંઈ જ ખબર ન હતી. સ્વપ્નસૃષ્ટિમાં વસતો એ સામાન્ય નાગોરી ભલે એમ માને કે પોતે જાણી જોઈને આ તરફ ખેંચાઈ આવ્યો છે, પણ ખરું જોતાં તો એમાં ભાગ્યદેવીનો ગૂઢ સંકેત હતો.
મધ્યરાત્રી વીત્યા પછી હીરાનંદે કોઈનો આર્તનાદ સાંભળ્યો. પહેલાં તો એ અવાજ, વનના કોઈ પશુ-પક્ષીનો હશે કે માનવીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org