________________
જગશેઠ
કેટલીક વારે તેને પોતાની સ્થિતિનું ભાન થયું. મૃત્યુનો ભય તો નાગોરમાં મૂકીને જ નીકળ્યો હતો. જીવનમાં એવું શું સુખ હતું કે મૃત્યુથી ભય પામે ? માત્ર એક જ ચિંતા તેને વ્યથા આપી રહી હતી. પોતે નિર્ધન હોવા છતાં લક્ષાધિપતિને પણ લજાવે એવી મનોરથસુષ્ટિમાં તે અહોનિશ વસતો. સ્વપ્નસૃષ્ટિનો જ એ એક શહેરી હતો. શેઠની વાણોતરી કરતી વખતે પણ તે સ્વપ્નલોકની દુનિયામાં વિહરતો. અઢળક ધન અને અનન્ય અધિકાર ક્યાંક પોતાની રાહ જોતાં હશે, એમ તે માનતો. અકાળ મૃત્યુ આવીને આ આખી સ્વપ્નસૃષ્ટિ ભાંગી નાખે, એ કલ્પના તેને મૃત્યુ કરતાં પણ અસહ્ય લાગતી.
દુઃખ ને થાકને લીધે તે એક પત્થર ઉપર બેઠો. ફરી ફરીને નવકાર મંત્ર ઉચ્ચારતાં છેલ્લાં ત્રણ પદના એકેએક અક્ષર ઉપર ભાર મૂક્યો. “સર્વ પાપોનો વિનાશ કરનાર, સર્વ મંગળમાં પ્રથમ મંગળ” એ શબ્દોમાં મંત્રનું સંપૂર્ણ રહસ્ય સમાઈ જતું હોય તેમ ત્યાં તેની સમસ્ત ચિત્તવૃત્તિ રોકાઈ રહી.
શ્રદ્ધાબળે તે સ્વસ્થ બન્યો. છુપાયેલું મનોબળ તેનાં નેત્રોમાં તરવરવા લાગ્યું. ભૂત-પ્રેતનો ભય દૂર થયો. પણ એ ભય દૂર થતાં જ તેને પોતાની રોજની સ્થિતિ યાદ આવી. પોતે ગરીબ હતો, નાગોરના અસંખ્ય ધનિકોની વચ્ચે કેવળ સેવક થવાને જ નિર્માયો હતો અને સંમૂચ્છિમ જંતુની જેમ જન્મી, ઘડીભર જીવી, પાછો અગમ્ય ભાવલીલામાં ભળી જવાનો હતો, એ બધું યાદ આવ્યું. આટલા બધા ધનિકોમાં પોતે એકલો આટલો ગરીબ અને પરાધીન કેમ જન્મ્યો ? આસપાસના આ શ્રીમંતો, અધિકારીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org