________________
જગત્શેઠ
૧૨૫
મંત્રણાના ત્રણ દિવસો વરસ જેવા વીત્યા. એટલું છતાં સભા કંઈ નિશ્ચય કરી શકે એમ ન લાગ્યું. આખરે મહારાજા કૃષ્ણચંદ્રે કંટાળીને કહ્યું :
“જે સભામાં મીરજાફર જેવા માણસો હોય એ સભામાં નવાબીનો અંત આણવાની ચર્ચા થઈ શકે નહીં. જે સભામાં રાયદુર્લભ ને અમીચંદ જેવા માણસો હોય ત્યાં અંગત મહત્ત્વાકાંક્ષા આડે આવ્યા વિના ન રહે. આ સ્થિતિમાં મીરજાફરને જ બંગાળની મસનદ સોંપવી એ ઠીક છે. '
ક્લાઈવ અને મીરજાફરને આ નિર્ણય સાંભળી સંતોષ થયો. પણ કેટલી મુશ્કેલી પછી, કેવા વિલક્ષણ સંયોગોમાં આ નિર્ણય થવા પામ્યો, તે પણ તેમની જાણ બહાર ન રહ્યું. મીરજાફર જો ડાહ્યો હોત તો મસનદ મળ્યા પછી કંઈક વધુ સાવધ અથવા વિચારશીલ બનવાનો પ્રયત્ન કરત; પણ એના નસીબમાં ‘‘ક્લાઈવના ગધેડા‘’’ બનવાનું સર્જાયેલું તે શી રીતે મિથ્યા થાય?
૧. મીરજાફરના દરબારમાં મીરજા-શમશેર-ઉદીન નામનો એક ઉમરાવ હતો. તે સ્વતંત્ર મીજાજનો અને મશ્કરો હતો. એકવાર તેને ક્લાઈવના એક ગોરા અમલદાર સાથે ઝઘડો થયો. મીરજાફરને એ વાતની જાણ થતાં તેણે તરતજ મીરજા સાહેબને બોલાવ્યા અને કહ્યું :- “તમે લૉર્ડ ક્લાઈવના માણસનું અપમાન કરો છો ? તમને ખબર છે એ ક્લાઈવ કોણ છે ?''
મીરજા-શમશેર-ઉદ્દીને જવાબ આપ્યો :- “આપ શું બોલો છો ? હું ક્લાઈવને ન ઓળખું એમ બને ? ક્લાઈવને તો શું પણ ક્લાઈવના ગધેડાને પણ હું રોજ ત્રણવાર સલામ ભરું છું.''
મીરજા-શમશેર, મીરજાફરને રોજ જે ત્રણ સલામ ભરતો તે બંગાળના નવાબ મીરજાફરને નહીં, પણ ક્લાઈવના ગધેડા મીરજાફરને જ ભરતો એમ તેણે પ્રકારાંતરથી કહી નાખ્યું.
તે દિવસથી મીરજાફર ઈતિહાસના પાના ઉપર ક્લાઈવના ગર્દભ’ તરીકે પ્રસિદ્ધ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org