________________
જગશેઠ
૧૨૦ તરફ સોગને અને બીજી તરફ બંગાલ, બિહાર અને ઓરિસાનું સામ્રાજ્ય ! બેમાંથી કોને વધુ પસંદગી આપવી ? મધ્યરાત્રીની મનોહર શાંતિ વિલસતી ન હોત, મીરજાફરની સામે સિરાજ આંસુભીનો ઊભો ન હોત, તો અમે ખાતરીથી કહીએ છીએ કે સોગનની નહીં પણ સામ્રાજ્યની જ જીત થાત ! પણ અત્યારે તો મીરજાફર એના જીવનની નબળી પળોમાંથી પસાર થઈ રહ્યો હતો. બાળક સિરાજને ખુશ કરવા સોગન લેવા પડતા હોય તો એકવાર નહીં, બે વાર સોગન લેવા તૈયાર થયો. સોગન લીધા પછી. સોગનના ભોગે સિંહાસન ઉપર બેસનારા ઘણા અધિકારીઓનાં જીવન તેણે અનુભવ્યા હતાં. જગતુ સોગનને નહીં, પણ સામ્રાજ્યને, સત્તાને, વૈભવને જ માને છે, પૂજે છે એમ તે અંત:કરણના ઊંડાણમાં માનતો થયો હતો. સોગન જેવા રમકડાથી સિરાજ રીઝતો હોય તો શા સારુ વિલંબ કરવો ?
તે જ રાત્રે મીરજાફરે નિર્ણય સંભળાવ્યો : “પાક કુરાનના નામે હું તમારો જ રહીશ.”
સિરાજ સ્નેહથી મીરજાફરને ભેટી પડ્યો. બીજે જ દિવસે જગશેઠને માનપૂર્વક મુક્ત કરવામાં આવ્યા. સિરાજનો ફરીથી આત્મીય બનેલો મીરજાફર સિરાજના જમણા હાથ રૂપે બંગાળનું રાજતંત્ર ચલાવવા લાગ્યો. મીરજાફરની વફાદારીના પ્રતાપે જ પૂર્ણિયાનો શૌકત પરાભવ પામ્યો. સિરાજ-ઉદ્-દૌલા જાણે પુનર્જન્મ પામ્યો હોય, એટલો ઉલ્લાસ અનુભવી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org