________________
જગત્શેઠ
વિચારમાં હતા. ઘસીટા-બેગમ, કલકત્તાની કોઠીવાળા અંગ્રેજોની મદદ મેળવી રહી છે. એ જાણ્યા પછી શૌકત અને નવાજેસ વચ્ચે કોને પસંદગી આપવી, એ એક ગુંચવણ ઊભી થઈ.
‘એટલું બની શકે, હું સામે જઈને કોઈને માટે શહેનશાહને ભલામણ ન કરું.' સિરાજને માટે નહીં તેમ શૌકત માટે પણ નહીં. જગત્શેઠે વચલો તોડ કાઢ્યો.
૧૦૬
“તમારે અમને અંદર અંદર લડાવી મારવા છે, એમ જ કહી નાંખોને ?'' મોતીઝીલની અધિષ્ઠાત્રી જરા ભીષણ રૂપ ધરી રહી.
મહતાબચંદ એ વિશે બેદરકાર રહ્યા. ખટપટનાં આટલાં ઊંડાં મૂળ ઊતર્યાં હોય ત્યાં આંતરવિગ્રહ અનિવાર્ય છે, એમ સમજવા છતાં તેમણે વાતને સહેજ પલટાવી.
“પણ સબળ પક્ષને પરવાનાની પરવા શા સારુ હોય ? દિલ્હીની શહેનશાહત અને તેનો પરવાનો એ બધું પૂછવા કે જાણવા લોકો શું નવરા બેઠા છે ? સૌ સમજે છે કે શહેનશાહનો પરવાનો કેવળ કાગળને જ શોભાવવા પૂરતો છે. પ્રજાની પ્રસન્નતા જેની ઉપર ઊતરે તે વગર પરવાને પણ બંગાળનો નવાબ બની શકે છે.’’
“ઠીક છે. સિરાજને માટે પરવાનો નહીં મેળવો તો પણ અમારે મન તમે અમારા જ છો એમ માનશું.'' ઘસીટા કડવી દવા ગળા નીચે ઉતારતી હોય એમ બોલી અને અકળામણ તથા ઉકળાટને લીધે થાકી ગઈ હોય તેમ પાછળ રહેલા ઊંચા તકિયા ઉપર માથું નાખ્યું. દીપમાળાનાં સીધાં કિરણો તેના શ્રમિત વદન અને આભરણોને વધુ ઝલકદાર બનાવી રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org