________________
જગત્શેઠ
૧૦૩
આશાવાદના શિખર ઉપર આમ નિશ્ચિતપણે ઊભા રહો, તો હું તમને શાબાશ કહું ! ભલેને ભલભલી કુળવધૂઓની લાજ લૂંટાય, ભલે મુર્શિદાબાદની શેરીઓ વગર કારણે લોહીથી છંટાય, ભલે આકાશ-પાતાળ એકાકાર થઈ જાય, તમારી પેઢીઓ સહીસલામત રહે ત્યાં સુધી દેશની કે રાજ્યની તમને શું પડી હોય ? તમારા ઉપર દેશની શાંતિનો આધાર છે, એમ માનવામાં અમે જ ભૂલ કરી હતી, એમ જ ને ?”’ કુશળ નટને પણ શરમાવે એવી છટાથી ઘસીટા-બેગમે વ્યર્થ આક્રોશનો અભિનય શરૂ કર્યો. મહતાબચંદ કંઈક બોલવા જતા હતા, પણ ગમે તે કારણે ગળામાં શોષ પડ્યો. જે વખતે ચોતરફ નાની મોટી રાજ્યક્રાંતિઓ ચાલતી હતી, તે વખતે પણ જગત્શેઠની પેઢીની આબરૂ અખંડ રહી શકી હતી, એટલું જ નહીં પણ પરદેશી વેપારીઓ જગત્શેઠને વેપારીઓના એક ચક્રવર્તી જેવા જ સમજતા, એ વાતનો ઇન્કાર કરી શકાય એવી સ્થિતિ ન હતી. ઘસીટા-બેગમે જગત્શેઠના બરાબર મર્મભાગ ઉપર જ ઘા કર્યા હતા. એમને એ વખતે બે વિચાર આવ્યા : બેગમને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેવું કે, ‘હું આ રાજકારણમાં મુદ્દલ ભાગ લેવા નથી માગતો’ અથવા તો ‘સિરાજ અને પેઢીના વ્યાપાર એ બે સ્વતંત્ર વસ્તુ છે' એવી મતલબનો ફોડ પાડવો, પણ બને ત્યાં સુધી મૌન રાખવાની વૃત્તિએ અંતે જોર કર્યું.
જગત્શેઠને વિચારમુગ્ધ જોઈ ઘસીટા વધુ આશાવંત અને મક્કમ બની. સ્ત્રીયોચિત મૃદુતાની મદદ લેતાં તેણીએ કહ્યું, ‘‘સિરાજ અલીવ-ખાંનો સગો છે, તો શું અમે આકાશમાંથી પૂંછડિયા તારાની જેમ ધરતી ઉપર આવી પડ્યા છીએ ? હું પણ અલીવર્દી-ખાંની જ નાની અને લાડીલી પુત્રી હતી અને છું, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org