________________
જગશેઠ
૯૧ બંગાળને લૂંટશો અને છતાં મરાઠી-સામ્રાજ્ય સ્થાપવાના અભિલાષ રાખશો ? જગતમાં ક્યાંય લૂંટારાઓએ સામ્રાજય સ્થાપ્યાં જાણ્યાં છે ? શિવાજી મહારાજના ભગવા ઝુંડાને સમસ્ત ભારતવર્ષ નમે છે, પણ એ ઝુંડો આજે તમારી લૂંટફાટથી કલંકિત બન્યો છે. એવા ઝુંડાના આશરે ઊભું રહેવું તે કરતાં પરદેશીનો આશરો લોકો વધુ પસંદ કરશે.” મરાઠાઓનાં ઉપરાઉપરી આક્રમણોનું સ્મરણ થતાં જગડુશેઠ આવેશને વશ થયા. “બંગાળની દશા આજે તો તેના દુશ્મનોના દિલમાં પણ દયા આવે એવી છે. તેનું કોઈ ધણીધોરી નથી. દિલ્હીમાં બેઠો બેઠો શહેનશાહ દેશને લૂંટાવી રહ્યો છે. આજે બાલાજીને, કાલે રાઘોજીને, તો પરમ દિવસે અંગ્રેજ વેપારીને નવા નવા કરારો અને દસ્તાવેજો લખી આપે છે. બીજી તરફ જમીનદારો સ્વતંત્ર થતા જાય છે. નાના નાના સિપાઈઓ પણ જાણે સમ્રાટના સગા ભાઈ હોય એવા સ્વચ્છંદ માણે છે. બંગાળની જ વાત હું કહી રહ્યો છું. બંગાળ આજે ચારે કોરથી ચૂસાય છે. બંગાળના લોહીથી તમે મહારાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માગો છો ? નિર્બળ બંગાળના નિશ્વાસ ઉપર તમારાં ઐશ્વર્ય શોભશે ? અને ચિરસ્થાયી રહેશે ?”
ભાસ્કર પંડિત ઝંખવાયો. વૃદ્ધ વૈશ્યનું હૈયું માતૃભૂમિની કંગાલિયત જોઈ ભીતર ને ભીતર સળગી રહ્યું છે, એમ તે સ્પષ્ટ જોઈ શક્યો. થોડીવાર પહેલાના અને અત્યારના જગતુશેઠમાં જાણે જાદુઈ ફેરફાર થઈ ગયો હોય તેમ તેને લાગ્યું.
ભાસ્કર બંગાળની ચોથમાંથી ઓછું કરવા તૈયાર થયો. પણ કેટલું ઓછું લેવું તેનો નિર્ણય ન કરી શક્યો. કહ્યું, “આવતી કાલે આપણે વધુ વિચાર કરશું-નવાબ અલીવદ-ખાં પણ ભલે આવે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org