________________
વેરનો વિપાક ભારતવર્ષમાં એક દિવસે ઠેકઠેકાણે આવા તાપસકુલો છવાયાં હતાં. તપ વિના સિદ્ધિ નથી, એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું શાશ્વતું અને સનાતન સૂત્ર છે. આ સંસારના સંક્લેશથી બચવું હોય તો તપ કરો - આત્માની અનંત શક્તિનાં દ્વાર ખોલી નાખવાં હોય તો તપ કરો - માનવજાતની સુખ-શાંતિ માટે પણ તપ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઇતિહાસને અજવાળી ગયેલા મહાપુરુષોએ કેવી ઉગ્ર તપશ્ચર્યાઓ આદરી છે અને તપના પ્રતાપે એમણે કેટકેટલી અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે – એ તપના તેજે આજે પણ આર્યદેશ કેટલો ઉજ્જવળ અને અસ્મિતાવાન રહી શક્યો છે, તે આપણે જાણીએ છીએ.
તપોવનમાં તાપસો અને ઋષિઓ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરતા - દેહનું દમન કરતા. આ બધી તપસ્યાઓ સિદ્ધિ આપનારી બનતી, એમ ન કહેવાય. કેટલીક માત્ર કષ્ટક્રિયારૂપે પરિણમતી. તપની સાથે અંત:શુદ્ધિનો મેળ બેસવો જોઈએ, એ વાત બહુ ઓછા તપસ્વીઓ સમજતા. પંચાગ્નિના તાપ સહેવા - ટાઢ અને વર્ષાના ઉપદ્રવો સામી છાતીએ ઝીલવા, એક હાથ ઊંચો રાખીને કે એક પગે સ્થિર થઈને ઈન્દ્રના આસન ડોલાવવામાં જ એ તાપસોની કૃતકૃત્યતા સમાઈ જતી.
તપોવનમાં બીજા દુઃખીઓ અને ઉદાસીનોને પણ સ્થાન મળી જતું. અગ્નિશમને આ સ્થાન ગમી ગયું. એ સંસારી હોવા છતાં અસંસારી જ હતો. સંસારમાં એક ઘર સિવાય, માતા-પિતા સિવાય બીજું એક આશ્રયસ્થાન એને નહોતું. જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં એ ઉપહાસ કે કુતૂહલનો જ વિષય બનતો. એનું દૈહિક ઘડતર વિચિત્ર હતું, પણ એમાં તો એ નિરુપાય હતો. લોકોની ઠઠ્ઠા-મશ્કરીથી એ કંટાળ્યો હતો. આ તપોવનમાં મોટે ભાગે સંયમી પુરુષો વસતા. કોઈને કોઈનું કૌતુક કરવાની જાણે કે કુરસદ જ નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org