________________
૧૧૮
વેરનો વિપાક માનવી જે પોતાને પામર માની બેઠો છે, તેની પામરતા ટાળવી, આત્માના અનંત સામર્થ્યનું લોકસમૂહ પાસે વિવરણ કરવું, કુલાભિમાનીઓ અને સત્તાધિકારીઓના મધનું નિવારણ કરવું, રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, મમતાનાં સૂક્ષ્મ છતાં દુર્ભેદ્ય બંધનોથી સતત સૌને જાગૃત રાખવા, એ આ મહામુનિઓના વિહાર અને વ્યાખ્યાનનું મુખ્ય ધ્યેય રહેતું. પણ એમનું એ કાર્ય એટલેથી જ પુરું નહોતું થઈ જતું. ચિકિત્સકની પાસે જેમ જાતજાતના રોગીઓ આવે અને રોગનાં કારણ તથા ઉપાય જાણવા માગે તેમ આ ભવરોગના ચિકિત્સકો પાસે જાતજાતના વાદીઓ અને વિદ્યાનુરાગીઓ આવતા. કોઈ લોકાલોકનું સ્વરૂપ સમજવા આવે, કોઈ કર્મના બંધ તથા મુક્તિનું રહસ્ય ઉકેલવા આવે તો કોઈ ગૃહસ્થ જીવનની તેમ મુનિજીવનની મર્યાદાઓ વિશે પ્રકાશ મેળવવા આવે. સૌના પ્રશ્નોનું હાર્દ સમજીને, શ્રોતાની યોગ્યતા પ્રમાણે એ વિહરતાં વિશ્વવિદ્યાલયોને ખુલાસા કરવા પડે. લોકોની અજ્ઞાનમિશ્રિત શંકાઓના સમાધાન કરતાં એમની શાંતિ અને સંયમની ઘણી વાર કસોટી થતી.
વાચક સમરાદિત્ય (પ્રભાસાચાર્ય ગુરુએ જ સમરાદિત્ય મુનિને વાચક પદથી વિભૂષિત કરેલા) અયોધ્યામાં આવ્યા તે વખતની એમની થોડી કાર્યવાહી જોઈ લઈએ.
અયોધ્યાના રાજા પ્રસન્નચંદ્રને જેવા સમાચાર મળ્યા કે આ યુગના એક આત્મનિષ્ઠ-દીપ્તિમાન વાચક સમરાદિત્ય બહાર ઉદ્યાનમાં પધાર્યા છે, એટલે તરત જ દર્શનાર્થે આવ્યા. પ્રસન્નચંદ્ર માનતા કે શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થકર અને પહેલ-વહેલા ધર્મ પ્રવર્તનાર પણ એ જ. સમરાદિત્યે એમની ભૂલ ભાંગી. પ્રથમ તો એમણે ટૂંકામાં કાળગણના વિશે સ્પષ્ટીકરણ કર્યું અને કાળની આદિથી ધર્મચક્રીઓ થતા આવ્યા છે અને થશે, ઋષભદેવ વર્તમાન ચોવીસીમાં પ્રથમ તીર્થકર ગણાય, પણ તે અમુક કાળની અપેક્ષાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org