________________
ખંડ પાંચમો
૧૧૦ નહિ. હિંસક પશુઓ કે ઘાતકી હત્યારાઓ પણ એમના વાયુ જેવા અપ્રતિબદ્ધ વિહારને અવરોધી શકતા નહિ.
તપસ્વીઓ અને ચિંતકો ઠેકઠેકાણે ભમી લોકોને માત્ર વૈરાગ્યની વાણી સંભળાવતા હશે, સંસારના મળમાં ગળા સુધી ડૂબેલા નર-નારીઓની ઉપર કેવળ દયા વરસાવી વાદળની જેમ અદૃશ્ય થઈ જતા હશે, એમ પણ નહિ. આ હતા વિહરતાં વિશ્વવિદ્યાલયો. જ્યાં જતા ત્યાં જ્ઞાનવિરાગ-સંવેગની પરબો માંડીને બેસતા. થાક્યા કે કંટાળ્યા વિના વિરલ સત્યો લોકોના ગળે ઉતારતા. ઉદ્ધાર કરી વાળવાની વૃત્તિથી જો એ વિચરતા હોત તો એમનું બહુમાન અને સ્વાગત કરનારો સમુદાય કદાચ કંટાળી જાત. આ ત્યાગીઓ અને તપસ્વીઓ પોતાના ત્યાગ-વિરાગ કે જ્ઞાનનું પ્રદર્શન કરવા નહોતા માગતા, તેમ મોટા ચમત્કારો કરી દેખાડવાની પણ દુરાશા નહોતા રાખતા. તેઓ તો પરિસહ, ઉપસર્ગ, આફતને પડકાર ફેંકતા, ભૂખ, તરસ, થાકની ઉપર પોતાનો વિજય વર્તાવતા બની શકે તેટલો લોકસંપર્ક સાધતા. એમાં અભિમાન કે ઉદ્ધતાઈ જેવું કંઈ જ નહોતું. એટલે જ કોઈ સાધુ મુનિરાજ અથવા આચાર્યની, ગામની નજીક થયેલી પધરામણીની વાત સાંભળી, મેઘઘેલા મયૂરની જેમ લોકો નાચવા લાગી જતા.
ઉજ્જૈનીથી વિહાર કરી અયોધ્યા તરફ જતા મહામુનિ સમરાદિત્યને કોઈ જુએ તો સાગરની અગાધતા અને હિમગિરિની અડગતા મૂર્તિમંત બની હોય એમ જ લાગે. સંયમના ભારને પુષ્પગુચ્છની જેમ વહેતા, ઉપશમ-રસનો ડગલે ને પગલે છંટકાવ કરતા, જ્ઞાનનાં કોટી કોટી કિરણો વડે અજ્ઞાન-અંધકારને ઉલેચતા એવા આ પ્રભાસાચાર્યના અગ્રગણ્ય શિષ્ય સમરાદિત્યની ખ્યાતિ ભાગ્યે જ કોઈથી અજાણી રહી હશે. વાદીઓ અને જિજ્ઞાસુઓ એમની વાત કરવાની મોહક અને માર્મિક શૈલી ઉપર મુગ્ધ બની જતા. એ બોલતા ત્યારે જાણે કે પુષ્પવર્ષા થતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org