________________
૯૯૨
અર્પણ + ક્ષમાશ્રમણ
એટલામાં સિન્ડ્રના કિનારે રહેતી શક જાતિના છન્ન સામંતો એકી સાથે ઉજ્જયિની ઉપર તૂટી પડ્યા. તીડનાં ઊડતાં ટોળાં જેમ આકાશને છાઈ દે તેમ એ સામતોનાં સૈન્ય માલવભૂમિ ઉપર ફરી વળ્યાં. અભિમાનમાં આંધળો બનેલો માલવપતિ ગર્દભીલ, વિલાસનિદ્રામાંથી જાગે તે પહેલાં જ ઉજ્જયિનીનો અજેય ગણાતો ગઢ તૂટ્યો અને તળાવની પાળ તૂટતાં મારમાર કરતું પાણી સહસમુખે વહી નીકળે તેમ શકસૈન્યનાં ધાડાં અમરાપુરી જેવી ઉજ્જયિનીમાં ફરી વળ્યાં. ઘડીક પહેલાં જે વિલાસભવનોમાં નૃત્યગીત અને આમોદની લહેરો ઊછળતી હતી ત્યાં ભય અને ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયું. ધરતીકંપનો ભારે આંચકો લાગતાં સમુદ્રનાં જળ એકાએક અદૃશ્ય થાય અને તળિયે રહેલા ધારદાર ખડકો નીકળી આવે તેમ ઉજ્જયિનીનાં પ્રમોદજળ સુકાયાં અને તેને સ્થાને શકસૈન્યની મૂર્તિમંત ભીતિ આવીને ખડી થઈ ગઈ.
સૈન્યના સંચાલક તરીકે કાલાકાચાર્યને મોખરે ઊભેલા જોયા ત્યારે જ ઉજ્જયિનીની પ્રજા સમજી કે આ આક્રમણ એક અકસ્માતું નહીં, પણ સરસ્વતી સાધ્વીના અપહરણનું જ પ્રાયશ્ચિત હતું. ઉજ્જયિનીમાં પ્રવેશતાં વેંત કાલકાચાર્યે પોતે સામંતોની સાથે રહી ગર્દભીલને પકડ્યો. ઉજ્જયિનીને ઉજ્જડ બનાવવાની કાલકાચાર્યે એક વખતે આપેલી ધમકી એ માત્ર દુર્બળ વેરાગીનો વાવૈભવ નહોતો, પણ એક સમર્થ પુરુષની પ્રતિજ્ઞા હતી એ ગર્દભીલને હવે સમજાયું. એક જૈન સાધુ શાસનને અપમાનિત થતું બચાવવા ભીષણ યુદ્ધની અગ્રેસરી પણ વહોરી શકે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.
બંદીવાન ગર્દભીલ્લ આજે અસહાય હતો. પાપની ક્ષમા યાચી જીવનદાન મેળવવા સિવાય બીજો ઉપાય ન રહ્યો. તેણે એક અપરાધીની જેમ કાલકાચાર્યની ક્ષમા યાચી, સરસ્વતીને કારાગ્રહમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org