________________
૮૬
અર્પણ + ક્ષમાશ્રમણ
' સૂરિજીએ સંસારનાં પ્રપંચ, દંભ અને પાખંડ વિષે વિવેચન કરતાં સમર્થ સ્ત્રી-પુરુષોના ત્યાગ વિશ્વને કેવા કલ્યાણના માર્ગે દોરી જાય છે તે પ્રસિદ્ધ પુરુષોનાં જીવનચરિત્ર ઉપરથી સમજાવવા માંડ્યું. સંસારીઓએ પોતાની મેળે જે એક મહાન કારાગૃહ રચ્યો છે અને જે કારાગૃહની અંદર સ્વાર્થી પાખંડીઓએ અસંખ્ય બ્રાંતિઓ સરજાવી ભદ્રિક જીવોની આંખે પાટા બાંધ્યા છે તેનો હૃદયસ્પર્શી ચિતાર રજૂ કર્યો. ઉપસંહારમાં કહ્યું કે – “સર્વ કૃત્રિમતાઓથી છૂટી જેને કેવળ આત્મકલ્યાણ સાધવું હોય, તેને માટે જિનશાસનના ત્યાગધર્મ સિવાય બીજો એકે રાજમાર્ગ નથી :
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસન.”
એ પ્રમાણે વ્યાખ્યાન સમાપ્ત થતાં સૌ કોઈ સૂરિજીને નમી પોતપોતાને સ્થાને રવાના થયા. કાલકકુમાર અને સરસ્વતી પણ વિધિપૂર્વક ગુણાકરસૂરિજીને વાંદી રાજગઢમાં પહોંચી ગયાં.
રાજકુમાર અને રાજકુમારીએ મહેલમાં જઈ સ્વસ્થપણે પોતાની સ્થિતિ અને શક્તિનું માપ કાઢવાનો પ્રયત્ન કર્યો, બન્નેને લાગ્યું કે રાજકુટુંબને અનિવાર્ય એવી પ્રપંચજાળમાંથી છૂટવા અને નિષ્પાપ જીવન વીતાવવા માટે જિનશાસને પ્રરૂપેલા સંયમમાર્ગ સિવાય બીજો એક તરણોપાય નથી. ત્યાગજીવનના પરિસહો એ તેમને માટે નવીન ભલે હોય પણ અજાણ્યા તો ન હતા. સ્વેચ્છાએ જે શરીરને કસી શકે તેને એ પરીસહો શું કરી શકવાના હતા ?
વળતે જ દિવસે કાલક કુમાર અને સરસ્વતીએ ગુણાકરસૂરિજી પાસે જઈ મુનિધર્મની દીક્ષા સ્વીકારી. મગધ મૈયાના કીર્તિમંદિર ઉપર યશસ્વિતાનો નવો કળશ ચડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org