________________
અર્પણ + ક્ષમાશ્રમણ
અરણ્યમાં જતી, અસ્ત્રવિદ્યા શીખતી, અને ટાઢ કે તડકાની પણ પરવા કર્યા વિના નિર્ભયપણે ભયના સ્થાનમાં ભમતી. રાજમહેલના કૃત્રિમ વિવેક અને દાંભિક સૌજન્યમાં આ ભાઈબહેનનો નિર્મળ સ્નેહ કંઈક અલૌકિક ભાત પાડતો. મહાસાગરના ખારા જળમાં મીઠા મહેરામણની જેમ કાલકકુમાર અને સરસ્વતીની સ્નેહસરિતા આખા રાજગઢમાં સાવ જુદી તરી આવતી.
રોજના નિયમ પ્રમાણે કાલક કુમાર અને સરસ્વતી આજે વહેલાં ઊઠી પાસેના અરણ્ય તરફ જવા નીકળ્યાં છે. વૈભવી પુરવાસીઓ જાગે તે પહેલાં જ બનતાં સુધી શહેરમાં પાછાં આવી જવું એ તેમનો નિત્યક્રમ છે. સરસ્વતી કંઈક વિશેષ ઉલ્લાસથી પોતાના અશ્વને આગળ ને આગળ ધપાવ્યે જાય છે. કુમાર કાલક ચિંતાગ્રસ્ત છે. પણ તેનો અશ્વ કુમારનો સ્વભાવ સમજી ગયો છે. તે સરસ્વતીના અશ્વ પાછળ પોતાની મેળે જ ચાલવાની પોતાની ફરજ સમજે છે.
ઘોડાનો વેગ હેજ વધતાં, કાલક કુમાર વિચારનિદ્રામાંથી જાગ્યો. સરસ્વતીને સંબોધીને બોલ્યો -
બહેન ! કંઈ બહુ ઉતાવળ આવી છે ? તમારે તે વળી કયે દિવસે યુદ્ધની પરીક્ષા આપવાની હતી કે આટલી ઉતાવળથી દોડી રહ્યાં છો ? બે દિવસ પછી અંતઃપુરમાં ભરાઈ રહેવું પડશે ત્યારે આ બધાં તોફાન સુકાઈ જશે અને કદાચ રોવુંયે પડશે !”
સરસ્વતીએ ઘોડાની લગામ ખેંચી, ભાઈની સામે જોયું ન જોયું ને બોલી:
સ્ત્રીમાં પણ તમારા જેવો જ આત્મા વસે છે અને એને પણ આત્મરક્ષા કરવાની હોય છે - તમારા કરતાંયે કદાચ વિશેષ.” જાણી જોઈને છેલ્લા આક્ષેપનો જવાબ સરસ્વતીએ ન વાળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org