________________
હરિકેશી બળ - [૮]
ગામને પાદર એક નાનું તળાવ હતું, અને તળાવની પાળ ઉપર એક ઘટાદાર વડલાની છાયામાં બાળકો રમતાં. થોડે દૂર નાનાં ઝૂંપડાં દેખાતાં. એ ઝૂંપડાનો દેખાવ જ કહી આપતો કે ઉચ્ચ વર્ણનાં કુટુંબો માટે તો એ નહિ જ નિર્માયાં હોય. ગંધાતા ઉકરડા અને મરેલાં ઢોરના ચામડામાંથી અહોનિશ દુર્ગધ છૂટતી. ત્યાંના રહીશો ચંડાલના નામથી ઓળખાતા.
ચંડાલનાં બાળકો શહેરમાં ન જઈ શકતાં. વેદપુરાણની અહોનિશ પુનરાવૃત્તિ કરતા બ્રાહ્મણો રખેને તેને અડી જાય, રખેને તેમના માર્ગ ચંડાલના સ્વચ્છંદ અવર-જવરથી અભડાઈ જાય એવી સતતું ભીતિ રહ્યા કરતી. ઉચ્ચવર્ણના પોતાના કામ સિવાય કોઈ પણ ચંડાલ ગામના રસ્તા ઉપર ઊંચે માથે હરી-ફરી શકતો નહીં.
એટલે જ એ ચંડાલનાં નાનાં મેલાઘેલાં બાળકો રોજ આ વડલાની છાયામાં આવી બે ઘડી રમતાં અને રમત પૂરી થયે પોતપોતાની ઝૂંપડીમાં ચાલ્યાં જતાં. વડલો એ તેમનું ઉદ્યાન હતું, અને સવારે બપોરે કે સાંઝે જ્યારે રમવાનો પ્રસંગ મળતો ત્યારે તેમને મન એ કૌમુદી ઉત્સવ મનાતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org