________________
૪૯
આદ્રકુમાર હતા એમ પણ કંઈ જ ન હતું. તેમણે પણ ઘણી વાર યોગના આદર્શોનું ચિંતન કરતાં વસ્તુત:- શ્રીમતીનું જ ધ્યાન ધર્યું હતું. ભાગ્યે જ એવી કોઈ પળ હશે કે જે વખતે તેમણે શલ્યની જેમ ખૂંચતા એ કાંટાને ઉખેડીને ફેંકી દેવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. ગમે તેમ પણ તે સામર્થ્યના પૂજારી હતા. અને પોતે યે સર્વ રીતે સમર્થ પુરુષ હતા. છતાં જે સૌદર્ય, લાલિત્ય અને સુકુમારતાની પાસે સામર્થ્ય સામે આવીને દીનભાવે આત્મનૈવેદ્ય ધરી જાય ત્યાં આદ્રકુમારની બળાત્કાર સાધના નિષ્ફળ નીવડે એમાં શું આશ્ચર્ય ?
જે શ્રીમતી એક વખતે ઉદ્યાનમાં આવી, પગે પડી, ઉપવનના પંખીને પણ કંપાવે તેમ કરગરી હતી અને જેનો ત્યાગ કરવામાં આદ્રકુમારે પોતાના સામર્થ્યનો વિજય માન્યો હતો, તે જ શ્રીમતી પાસે આવી તેમણે પોતાનાં ચિરસંચિત ત્યાગ-વૈરાગ્ય-સંયમ સર્વસ્વ ધરી દીધું. પતનનો ઇતિહાસ એ કરતાં કંઈ વધુ લાંબો ન હોય. આદ્રકુમાર ફરીથી સંસારમાં આવ્યા અને શ્રીમતીએ તેમને હૈયાના નિર્મળ સ્નેહથી સત્કાર્યા.
આદ્રકુમારના અધ:પાત ઉપર એ વખતે પણ અનેક અનુકંપાના આંસુ પાડ્યાં હશે. એક મુનિનો સંસાર-પ્રવેશ એ કંઈ યોગમાર્ગનો જેવો તેવો અકસ્માતું નથી. પણ એને એકલો અકસ્માતુ કે અધ:પતન કેમ કહેવાય? સ્નેહના અનાદરનો અને બળના અત્યાધિક અભિમાનનો શું એ યોગ્ય બદલો ન હતો ? શું શ્રીમતીનો ત્યાગ કરીને નાસી જતી વખતે આદ્રકુમાર પોતે સંપૂર્ણ સુદૃઢ રહી શક્યા હતા ? જો વૃત્તિઓ ઉપર તેમનો કેવળ બળાત્કાર ન હોત, અંતરને પ્રકટતી ઉષાનાં પ્રકાશ જેવું નિર્મળ બનાવી શક્યા હોત તો તેઓ પોતાની સાથે શ્રીમતીને પણ ઊંચે ને ઊંચે લઈ જઈ શક્યા હોત યોગમાર્ગમાં અનેરા રંગ અને રસ રેલાવ્યા હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org