________________
આદ્રકુમાર
બળના ઉપાસકને માટે બીજા બધા માર્ગ બંધ હતા. આખરે તે શ્રીમતીનો બળાત્કારે ત્યાગ કરી પોતાની સાધના પૂરી કરવા ત્યાંથી ચાલી નીકળ્યો. સ્નેહનો પરાજય થયો. બળનો વિજયધ્વજ ફરક્યો.
બળ એ જ ત્યાગ હોત તો આદ્રકુમાર જરૂર જીતી જાત. પણ તે પોતે ન સમજે તેમ શ્રીમતીના સ્નેહબળ પાસે હાર્યો હતો. ભલે તે ઉપદ્રવની બીકે વસંતપુરના ઉદ્યાનનો અને શ્રીમતીનો પણ ત્યાગ કરી ગયો, પણ અંતરમાંથી શ્રીમતીની પરવશ પ્રતિમાને દૂર ન કરી શક્યો. માતપિતાના સ્નેહનો અને માતૃભૂમિના સંબંધનો ત્યાગ કરી આવનાર આદ્રકુમાર શ્રીમતીને ન ભૂલી શક્યો. બળનો ગર્વ કરનાર યોગી અંતરથી તો ક્યારનોયે પરાજીત થઈ ચૂક્યો હતો. એ પરાજય આદ્રકુમાર વિના બીજું કોઈ સમજી શકે એમ ન હતું.
અનાદર પામેલી શ્રીમતીએ લગીરે કલ્પાંત ન કર્યું - કંગાળ નારીની જેમ કાલાવાલા પણ ન કર્યા. અર્પણતા એ તેનું ધ્યેય હતું. તે મુનિના ચરણે પોતાનું સર્વસ્વ ધરી ચૂકી હતી. તેનો સ્વીકાર થાય યા ન થાય એ તેને જોવાનું જ ન હતું. અને સ્નેહનો સ્વીકાર થવો જ જોઈએ એવો આગ્રહ શા સારુ? સ્નેહની સાધનામાં નિષ્ફળ નીવડેલી નારી પિતૃગૃહે પાછી ફરી.
એક પછી એક વર્ષો વીતતાં ચાલ્યાં. શ્રીમતીની આંખો નિરંતર આદ્રકુમારને શોધતી. ભલભલા શ્રેષ્ઠીપુત્રોનાં માગાં શ્રીમતીએ પાછાં વાળ્યાં. તે નિર્ભયપણે કહેતી કે :- “મનથી તો મુનિ આદ્રકુમારને જ વરી ચૂકી છું.” લોકોને લાગ્યું કે શ્રીમતીનું મગજ ભમી ગયું છે - તે અશક્ય વ્રત આદરી બેઠી છે. મુનિ ચલાવી શકે એવું શ્રીમતીમાં શું હતું? અપ્સરાઓના સરાગ અભિનયને જે લીલામાત્રથી ઠેલી શકે તેને એક શ્રીમતી જેવી પામર નારી શું કરી શકવાની હતી છતાં શ્રીમતીએ પોતાનો આદર્શ ન તજ્યો. સ્નેહમાં તે દઢ આસ્થા રાખી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org