________________
આર્દ્રકુમાર
આજ સુધી શ્રીમતીએ અનેક મુનિવરોનાં સ્વાગત કર્યાં હતાં, તેમના ધર્મોપદેશ સાંભળ્યા હતા; પણ ઉદ્યાનમાં ધ્યાનસ્થ રહેલી આર્દ્રકુમારની મૌનમૂર્તિએ તેને જેવી દીન અને પરવશ બનાવી હતી તેવી દશા તો તેણે પહેલાં કોઈવાર અનુભવી ન હતી. યૌવનના ઉન્માદને ચરણ નીચે ચાંપતા ભલભલા તપસ્વીઓને તેણીએ તાપમાં તપતા અને કરમાતા જોયા હતા. આજ સુધી તો અંતરનો એક તાર પણ નહોતો કંપ્યો. આર્દ્રકુમારમાં એવું શું હતું કે તે જોતાં જ તેના બધા જ તાર એકી સાથે ઝણઝણી ઊઠ્યા ?
ખરું, આર્દ્રકુમાર મુનિવેશમાં હતા. શ્રીમતીને મન એ વેશ કેવળ આવરણતુલ્ય ભાસ્યો, યુગ-યુગની આરાધનાનું ધન એ આવરણ પાછળ છુપાયેલું હોય એમ તેને લાગ્યું.
૪૫
પણ અંતરના સબળ સૈન્ય સાથે અહોનિશ ઝૂઝનાર મુનિ એક અબળાની વિનંતી સ્વીકારે એ શું સંભવિત છે ? તેને પોતાના દેહ ઉપર ક્ષણવાર તિરસ્કાર આવ્યો, યોગ-વૈરાગ્યની કઠિનતા તેને કાળરૂપ લાગી. દેવોનું વરદાન જાણે છેક પાસે આવીને પાછું વળી જતું હોય એવી વેદના અનુભવી રહી.
સૂર્યોદય થાય તે પહેલાં જ શય્યામાંથી તે જાગૃત થઈ. ઘરના કોઈ પણ માણસને કહ્યા વિના ઉદ્યાન ભણી ચાલી નીકળી.
પદ્મની તાજી ખીલેલી પાંખડી જેવી શ્રીમતી આટલી સાહસિક શી રીતે બની ? અત્યારે તેની ચાલમાં કે ચહેરા ઉપર નિરાશા ન હતી. જગતની સઘળી લોકલાજ અને આક્ષેપને પોતાની પાછળ રહેવા દઈ આર્દ્રકુમાર મુનિના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પવા તૈયાર થઈ હતી. અને જેનું સર્વસ્વ કોઈ ઇષ્ટદેવના ચરણે નિવેદાયું હોય તેને લોકલાજ કે ભય શું કરી શકે? વિશુદ્ધ પ્રેમબળ, અર્પણતા એ તેનાં શસ્ત્ર હતાં. મુનિને વરવું એ તેનું ધ્યેય હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org