________________
૪૩
આદ્રકુમાર વિચૂસ્ત પ્રેમકથા એકાએક યાદ આવે તેમ ભુલાયેલો ભૂતકાળ તેના નેત્ર આગળ ખડો થયો.
રાજવૈભવ, સુખોપભોગ, સાંસારિક ગડમથલ એ બધામાંથી તેનો રસ ઊડી ગયો. તે કલાકોના કલાકો સુધી જિનપ્રતિમાનું ધ્યાન ધરવા લાગ્યો. આદ્રકુમારની આવી ઉદાસીન અવસ્થા અનુભવી તેના પિતાને ધ્રાસકો પડ્યો. કુમારને કોઈએ ભોળવ્યો હોય અથવા તો કોઈએ તેની ઉપર કામણ કર્યું હોય એવો વહેમ ગયો. આદ્રકુમારને પહેલાની જેમ રસ લેતો કરવા રાજાએ ઘણા ઘણા ઉપાય અજમાવ્યા; પણ તેની કંઈ અસર ન થઈ. અહોનિશ ચિંતાગ્રસ્ત રહેતો કુમાર છાનોમાનો નાસી ન જાય તે માટે પાંચસો સુભટો તેની આસપાસ પહેરો ભરવા લાગ્યા; પણ સ્નેહવત્સલ પિતાની સર્વ ચિંતાઓ નિષ્ફળ બનાવી આદ્રકુમાર એક રાત્રે છાનોમાનો વહાણમાં ચડી બેઠો અને આર્યભૂમિના કિનારે ઊતર્યો.
નિરાબાધ સુખ, શાશ્વત શાંતિ અથવા પરમપદની પ્રાપ્તિ એ જ તેનું પ્રધાન ધ્યેય બન્યું. ત્યાગ-વૈરાગ્ય-તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કરવા તેનું દિલ વારંવાર પોકારી ઊઠતું. તેણે કોઈની પણ સલાહ કે સૂચના ન સાંભળી. અંતરની ઝંખનાને શાંત કરવા તેણે પોતે જ જૈન મુનિનો વેષ પહેરી લીધો. કાયાનું દમન કરતા, મનોવિકારને રોધતા આદ્રકુમાર આર્યભૂમિમાં વિહરવા લાગ્યા.
એક દિવસે તેઓ વસંતપુર નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા. એટલામાં શ્રીમતી નામની એક કન્યા પોતાની કેટલીક સખીઓ સાથે ત્યાં આવી. શ્રીમતી હજી કુંવારી જ હતી. સખીઓથી છૂટી પડી તે આ જ ધ્યાનસ્થ મુનિ પાસે આવી. દૂરથી આ તપસ્વીની મુખમુદ્રા જોતાં જ તેનો પૂર્વરાગ પ્રદીપ્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org