________________
૩૮
અર્પણ + ક્ષમાશ્રમણ
વનમાં એક દેવાલય હતું ત્યાં એક ખૂણામાં જઈને સૂઈ રહ્યો. અનુક્રમે સાંજ પડી. આખા દિવસના શ્રમ અને નિરાશાને લીધે રાત્રે પણ તેને પૂરી નિદ્રા ન આવી.
હરિબળ સૂતો સૂતો અનેક પ્રકારના તર્કવિતર્ક કરી રહ્યો હતો. એટલામાં એ નિર્જન દેવાલયની બહાર કોઈનાં મૃદુ પગલાં પડતાં સંભળાયાં.
રાત્રીનો અંધકાર ચોતરફ વ્યાપ્યો હતો. આ નિર્જન અરણ્યમાં આવા અંધારામાં અત્યારે કોણ હશે એ જાણવા હરિબળે સૂતાં સૂતાં પગથિયા તરફ દષ્ટિપાત કર્યો.
સુકુમારતાની મૂર્તિ જેવી એક બાળા, બહુ જ ધીમે ધીમે મંદિરના ગર્ભાગાર તરફ આવતી હરિબળે જોઈ. તેને વનદેવીનો ભ્રમ થયો. ભય કે ગભરામણ એ તેને અપરિચિત હતાં. તે આંખો મીંચીને જ્યાં સૂતો હતો ત્યાં જ પડી રહ્યો.
પેલી બાળા હરિબળની બરાબર પાસે આવીને ઊભી રહી. વીણાના સ્વર સમા શબ્દોમાં તે બોલી:–
“હરિબળ! ઢોંગ કરવાનો આ સમય નથી. વ્હાર અશ્વ તૈયાર છે. જો વિલંબ થશે તો રાજદૂતો આવી પહોંચશે અને આપણે પકડાઈ જશું.”
ઢોંગ શા, અશ્વ શું અને રાજદૂત શું ? એમાંનો એક શબ્દ હરિબળ ન સમજી શક્યો. તેને આ બધું વિચિત્ર લાગ્યું. પણ લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે હોં ધોવા જવું એ ઠીક નહીં, એમ ધારી તે ઊઠીને ઊભો થયો.
આગળ રાજબાળા અને પાછળ હરિબળ. દેવાલયની હદ ઓળંગી બંને જણાં એક અશ્વ પાસે આવી ઊભા રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org