________________
૨૨
અર્પણ + ક્ષમાશ્રમણ “એ જ જો પરમાત્મા હોય અને તમારા ગુરુ હોય તો મને દીક્ષાના આ વેષની પણ કંઈ જ જરૂર નથી. મારાથી એક ક્ષણ પણ તેની પાસે ન રહી શકાય. એને જોતાં જ મને મનમાં કંઈ કંઈ થઈ જાય છે !” એટલું કહી ગૌતમસ્વામીનો આ નવો શિષ્ય ત્યાંથી નાઠો.
મહાવીર પ્રભુ પાસે આવી, બે હાથની અંજલી જોડી ગૌતમસ્વામીએ પૂછયું – “પ્રભુ! કોઈની ઉપર નહીં અને આપની ઉપર જ એને આટલું બધું વૈર શા સારુ ? આપે આ સંસારમાં કોઈનું પણ અનિષ્ટ નથી કર્યું, છતાં આપને નીરખીને તે શા સારુ આમ વિહળ જેવો બની ગયો?”
“કારણ વિના કાર્ય અસંભવિત છે. પણ એ કારણ એટલું બધું ગહન અને પુરાતન છે કે જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ તેનું સ્પષ્ટીકરણ ન કરી શકે. જો સાંભળ,
જ્યારે હું ત્રિપૃષ્ટ નામનો વાસુદેવ હતો ત્યારે આ ખેડૂતનો આત્મા એક સિંહ રૂપે ઉપવન અને ગામમાં ભારે રંજાડ કરતો. ત્રિપૃષ્ટિના ભવમાં મેં જ એ સિંહને પકડી ચીરી નાખ્યો હતો અને
જ્યારે તે એક માણસના હાથથી મૃત્યુ પામવાને લીધે તરફડતો હતો ત્યારે તે જ તેને મીઠાં વચનો કહી શાંત કર્યો હતો. એ ગત ભવોનું વૈર હજી ચાલ્યું આવે છે. વૈર અને સ્નેહનાં ઘણાંખરાં કારણો જીવનમાં આમ ગુપ્તપણે પ્રવર્તતાં હોય છે.”
પ્રભુના મુખના આ ઉદ્ગાર સાંભળી સૌના અંતરમાં એક પ્રકારનો નવીન પ્રકાશ પડ્યો. આ ભવના નહીં તો પૂર્વભવના કેટલાક સંસ્કારો વર્તમાન જીવનમાં કેવો અગત્યનો ભાગ ભજવે છે તે સૌને સમજાયું.
પ્રભુ પ્રત્યે અભાવ ધરાવનાર, ગૌતમસ્વામીનો શિષ્ય, માત્ર ગૌતમસ્વામી અને ગૌતમસ્વામીએ સંભળાવેલાં સત્યો પ્રત્યે રુચિ અને ભક્તિ રાખી રહ્યો. તેથી તે દિવસથી તે શુક્લપક્ષીયો ગણાયો. ગમે ત્યારે પણ તે પોતાનું આત્મકલ્યાણ સાધી પરમપદે પહોંચવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org