________________
૧૧૬
અર્પણ + ક્ષમાશ્રમણ પાટણની રાજસભામાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે શાસ્ત્રાર્થ ચાલતો હતો. શાસ્ત્રાર્થ એટલે એક પ્રકારની મહાક્રાંતિનો પૂર્વરંગ. જે હારે તેને સામાજિક તેમજ આર્થિક દૃષ્ટિએ ઘણું સહન કરવું પડે. કદાચ દેશનો સમૂળગો ત્યાગ કરવો પડે. શાસ્ત્રાર્થ એકલા વાદી-પ્રતિવાદી પંડિતો સાથે સંબંધ નહોતો ધરાવતો. અનુયાયીઓ ઉપર પણ તેના ઓળા ઉતરે. એટલે જ આવા શાસ્ત્રાર્થોમાં વિજય મેળવવાની અનેક પ્રકારની યુક્તિઓ-પ્રયુક્તિઓ યોજાતી.
સામા પક્ષના આચાર્ય અથવા તો એમના કોઈ સાથી શાસ્ત્રાર્થ કરતાં જરા આક્રોશપૂર્વક અછાજતું વેણ બોલી ગયા. એનો તરત જ પ્રતિકાર કરવા શ્વેતાંબર શ્રમણસંઘના એક મુનિ તાડુક્યા અને કંઈક એવું આવેશપૂર્વક કહી નાખ્યું કે જે જૈન તપસ્વીને ન શોભે. તરત જ શ્વેતાંબર શ્રમણ સંઘના જે આચાર્ય આગેવાન તરીકે ત્યાં બેઠા હતા તેમણે પેલા મુનિને ઉદેશીને કહ્યું
“જૈન સાધુ એટલે ક્ષમાશ્રમણ! ઉપશમ અને ક્ષમાના ભોગે જો શાસ્ત્રાર્થમાં જય મળતો હોય તો એની ફૂટી બદામ જેટલી પણ કિંમત નથી. સિદ્ધાંતનો આત્મા ગુમાવ્યા પછી ખાલી ખોળિયાને લઈને શું કરવું?”
આચાર્યના શ્રદ્ધા–ઉજ્વલા થોડા શબ્દોએ શાસ્ત્રાર્થની સભાનું વાતાવરણ જ પલટી નાખ્યું. આખરે ક્ષમા અને ઉપશમના પ્રભાવે શ્વેતાંબર જૈન આચાર્યે વિજયનો ધ્વજ ફરકાવ્યો. એ વિજયને વર કે કટુતાના સ્પર્શ સરખો પણ ન થયો.
અહિંસા અને અનેકાંત જેમ જૈન સિદ્ધાંતના બે આધારસ્થંભ છે તેમ ઉપશમ અને ક્ષમા સંઘજીવનના પ્રાણસ્વરૂપ છે. પ્રાણા ચાલ્યા જાય પછી કલેવરની જેમ કંઈ કિંમત નથી રહેતી તેમ ક્ષમા ને ઉપશમ ગુમાવ્યા પછી આચારપરંપરા કે સૈદ્ધાત્તિક આદર્શનો પણ કંઈ અર્થ નથી રહેતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org