________________
પંન્યાસ શ્રી વરસંગવિજયજી
ચારસો વર્ષ પહેલાં બનેલી આ સત્ય ઘટના છે. કોઇને એ કવિકલ્પના કે દંતકથા જેવી લાગે એવી એ વાત છે. પણ એ સાવ સાચી બનેલી ઘટના છે એ સુનિશ્ચિત છે.
આ વાત છે અકબર-પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય પંન્યાસ વરસંગવિજયજીની. શ્રી હીરવિજયસૂરીશ્વરના હાથે બે હજારથી વધુ વ્યક્તિઓ દીક્ષિત થઇ હતી. એવો એમનો પ્રભાવ હતો. એમને જોતાં, તેમની વાણી સાંભળતાં, એમના પરિચયમાં આવતાં સંયમનો પંથ સ્વીકારવાનું, એમના હાથે દીક્ષિત થવાનું મન થાય એવું અદ્ભુત પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. મોગલ સમ્રાટ અકબરના હૃદયનું પરિવર્તન કરાવનારનું વ્યક્તિત્વ કેવું હોય !
શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડી, વિહાર કરતાં કરતાં રાજસ્થાનનાં તીર્થો જુહારીને તેઓ શિરોહી પધાર્યા
હતા.
શિરોહીમાં ધર્મપ્રભાવનાની મોટી ભરતી આવી હોય એવું બન્યું. ત્યાં ઋષભદેવની ચૌમુખીની અને અજિતનાથ ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો બહુ મોટો ઉત્સવ થયો. વળી પાસે આબુ પર્વતનું તીર્થ એટલે શ્રી હીરવિજયસૂરિની નિશ્રામાં આબુની તીર્થયાત્રા માટે મોટો સંઘ નીકળ્યો. આ ઘટનાથી પ્રભાવિત થયેલા શિરોહીના સુલતાને શ્રી હીરવિજયસૂરિને શિરોહીમાં ચાતુર્માસ કરવા માટે વિનંતી કરી. સુલતાનના પ્રધાન પુંજા મહેતા શ્રાવક હતા. એમણે પણ વિશેષ આગ્રહ કર્યો. શિરોહીમાં ત્યારે ઘણાં શ્રેષ્ઠીઓ વસતા હતા અને પ્રતિષ્ઠા, સંઘયાત્રા વગેરેમાં ઘણું નાણું ખર્ચાયું હતું એ તો ખરું જ, પણ શ્રેષ્ઠીઓ પોતે દીક્ષા લેવા તૈયાર થાય એવી ઘટનાઓ પણ બની. શ્રી હીરવિજયસૂરિની પ્રેરક વ્યાખ્યાન-વાણીનો એવો જાદુ હતો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org