________________
બૌદ્ધ ધર્મ
૫૭
ભિક્ષુ તથા ભિક્ષુણીઓ માટેનો આહાર વગેરે ક્રિયાઓને લગતા વિધેયાત્મક અને નિષેધાત્મક નિયમોને પ્રાતિમોક્ષ કહેવામાં આવે છે. દરેક મહિનાના કૃષ્ણચતુર્દશી અને પૂર્ણમાસીને દિવસે બધા ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓ પોતપોતાના ઉપોસથગારમાં ઉપસ્થિત થાય છે અને પ્રાતિમોક્ષનું વાચન કરે છે, અને પ્રત્યેક પ્રકરણને અંતે ભિક્ષુઓભિક્ષુણીઓ પોતાના દોષોનો એકરાર કરી, ક્ષમાયાચના, કરી કે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે.
ભગવાન બુદ્ધે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોઇ શિષ્ય કે આચાર્યને સ્થાન આપ્યું નથી, પણ સમગ્ર સંઘ ઉત્તરાધિકારી છે એમ બતાવી સંઘનું સર્વોપરીપણું સ્થાપ્યું છે. નિર્વાણ પામતાં પહેલાં ભગવાન બુદ્ધે આનંદને કહ્યું હતું કે જો સંઘની ઇચ્છા હોય તો પોતાના નિર્વાણ પછી સંઘે નાના નિયમોમાં દેશ અને કાળ અનુસાર ફેરફારો કરવા. ભગવાન બુદ્ધ અંધશ્રદ્ધા કે અંધપરંપરાના કેટલા વિરોધી હતા તે નીચેના એમના શબ્દો પરથી પણ જોઇ શકાય છે :
‘હે લોકો ! હું જે કાંઇ કહું છું તે પરંપરાગત છે, તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં. લોકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. હું પૂજ્ય છું એમ જાણી ખરું માનશો નહીં, પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તેમ જ જો સૌના હિતની વાત છે એમ લાગે તો જ તેનો સ્વીકાર કરજો.'
ઉપાસના અને યાત્રા
ભગવાન બુદ્ધનો જ્યાં જન્મ થયો તે લુમ્બિનીવન, એમને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે બુદ્ધગયા, સૌ પ્રથમ ધર્મોપદેશ આપી ધર્મચક્ર પ્રવર્તાવ્યું તે સારનાથ, અને તેઓ જ્યાં નિર્વાણ પામ્યા તે કુશિનારા—એ ચાર સ્થળો બૌદ્ધ ધર્મનાં મહત્વનાં યાત્રાધામ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org