________________
૨૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ અભિમાની તે ન હોવો જોઇએ, પાપીને અકારણ વધારે પડતી સજા કરનાર ન હોવો જોઇએ, પાપીને માનસિક રીતે ત્રાસ આપનાર કે ગુલામ બનાવી દેનાર ન હોવો જોઈએ - વગેરે બાબતો વિશે બહુ જ ચીવટ રાખવામાં આવે છે. રોજે રોજ કેટલાયે માણસોનાં પાપોનો એકરાર સાંભળનાર પાદરીના મુખમાંથી ક્યારેય ક્યાંય એક શબ્દ પણ નીકળતો નથી કે પોતાને ઘણાંનાં પાપોની ખબર છે એવી સભાનતાનો ભાસ એમના ચહેરા પર આવતો નથી. આ જ એમની મહત્તા છે.
સંતની સંતપણાની કસોટી આવી ગુપ્ત વાતોના પ્રગટીકરણ વખતે થતી હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સંત મહાત્માઓ બીજાની પ્રચ્છન્ન વાત કોઈને કહેતા નથી. સમાજમાં જ્યારે કોઇક વ્યક્તિ પોતાની ટીકાનિંદા કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસને એની વર્ષોથી સાચવેલી ગુપ્ત વાત પ્રગટ કરીને એને સીધો કરી દેવાનું મન થાય છે. પોતાને કોઈ આર્થિક નુકસાન થયું હોય, બીજા દ્વારા અપકીર્તિ થતી હોય, ખોટા આક્ષેપો પોતાના પર થતા હોય, જાતજાતની ધમકીઓ મળતી હોય ત્યારે વેર લેવાના ભાવથી, બીજાને પરાજિત અને શાન્ત કરી દેવાના આશયથી એની મોટી ગુપ્ત વાત પ્રકાશિત કરી દેવાની લાલચ માણસ રોકી શકતો નથી. એમ કરવાથી પરિસ્થિતિ તરત જ પોતાને અનુકૂળ થઈ જવાની સંભાવના હોય છે. પરંતુ એવે વખતે જ માણસના સત્ત્વની કસોટી થાય છે.
જેઓ ત્યાગી છે, નિસ્પૃહ છે તેઓ તો બધી વાત હૃદયમાં રાખી શકે છે. પોતાના હૃદયમાં બીજાની ખાનગી વાત છે એવો અણસાર પણ તેઓ બીજા આગળ આવવા દેતા નથી. સાધુને કોઈની ખાનગી વાત બીજાને કહી દેવાનું પ્રયોજન જ ન હોવું જોઈએ. વસ્તુતઃ જે સાધક છે તેનું તો એ દિશામાં લક્ષ્ય જ હોતું નથી. એક દષ્ટિએ જોઈએ
Jain Education International
'For Private & Personal Use Only
www.jainelibrary.org