________________
સમયસુંદર વિશે શોધપ્રબંધ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ મારા રસ અને અભ્યાસનો વિષય રહ્યો છે. એમાં પણ વિપુલ સાહિત્યના સર્જક કવિવર સમયસુંદર મારા અત્યંત પ્રિય કવિઓમાંના એક છે. વસ્તુતઃ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અધ્યયનના કાર્યમાં મારો પ્રવેશ સમયસુંદરના સાહિત્યથી થયો હતો. નલદમયંતી વિશેના સાહિત્ય અંગે મારો શોધપ્રબંધ તૈયાર કરતો હતો ત્યારે ઈ.સ. ૧૯૫૫માં સમયસુંદરકૃત નલદવદંતી રાસ”નું હસ્તપ્રતોને આધારે સંપાદન તૈયાર કરવાનું પ્રાપ્ત થયું હતું. સમયસુંદરની કવિપ્રતિભાનો ત્યારે સવિશેષ પરિચય થયો હતો. એટલે સમયસુંદર વિશે ડૉ. વસંતભાઈ દવેએ શોધપ્રબંધ પ્રકાશિત કર્યાનું જ્યારે જાણ્યું હતું ત્યારે ઘણો આનંદ થયો હતો.
યુનિવર્સિટીની કક્ષાએ પીએચ.ડી.ની ઉપાધિ માટે ભિન્નભિન્ન વિષયોમાં તૈયાર થતા અને સ્વીકારાતા બધા જ શોધપ્રબંધો ગ્રંથરૂપે પ્રગટ કરવાને યોગ્ય હોતા નથી. કેટલાક શોધપ્રબંધો યુનિવર્સિટીની ઉપાધિ માટે યોગ્ય જણાય તો પણ તેમાં રહી ગયેલી કેટલીક કચાશ કે ત્રુટિઓને કારણે તે પ્રકાશિત થવાને સમર્થ હોતા નથી. જે થોડા પ્રકાશિત થવાને યોગ્ય હોય તે પણ આર્થિક કારણોને લીધે તથા મર્યાદિત ભાવકવર્ગને કારણે પ્રકાશિત થઈ શકતા નથી. કેટલાકની સામગ્રી, નવાં સંશોધનો થતાં, થોડા વખતમાં જ કાલગ્રસ્ત બની જાય છે. એટલે બહુ ઓછા શોધપ્રબંધોને પ્રકાશિત થવાનું સદ્ભાગ્ય સાંપડે છે.
યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના અભ્યાસ નિમિત્તે તૈયાર થયેલા શોધપ્રબંધોની એક વિશિષ્ટ મુદ્રા હોય છે. શોધપ્રબંધને નિમિત્તે કોઈપણ વિષયનો ઊંડાણપૂર્વક પરામર્શ સારી રીતે કરવો પડે છે. એ માટે ઠીક ઠીક પરિશ્રમ લેવો પડે છે. એ વિષયમાં પૂર્વે થયેલાં કાર્યોનું સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરી લેવું પડે છે. માહિતી અને સંદર્ભોની ચોકસાઈ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org