________________
જિનતત્ત્વ
૨૦૩
‘વર્તમાન જોગ’. એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસ૨ તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે.
શ્રી હરિભદ્રસૂરિએ ‘સંબોધ પ્રકરણ’માં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે :
गtयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा । जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो ।।
મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગા૨વાનો ત્યાગ ક૨ના૨ા, અસંગ થયેલા, જિનમત- જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વના પ્રભાવક હોવા જોઈએ.
જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર-પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દસવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે
:
ક્લેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અસંદીન જિમ દ્વીપ તથા ભવિજન આશ્વાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર ગુણમહિમા ભંડાર.
જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દ્વીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનારા હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્થ જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org