________________
અદત્તાદાન-વિરમણ
માત્ર ગરીબ લોકો જ ચોરી કરે છે એવું નથી, શ્રીમંતો પણ ચોરી કરે છે. શ્રીમંતો એમના પ્રકારની વેપાર-ધંધામાં ચોરી કરે છે. કેટલીક વાર વ્યવહારમાં ચોરીના નામને પાત્ર ન ગણાય એવી અથવા રાજ્યના કાયદા દ્વારા સજા ન થાય એવી તેઓની ચોરી હોંશિયારી, આવડત, કુનેહમાં ખપાવવામાં આવે છે.
નાનીનાની ચીજવસ્તુઓની શ્રીમંતો કે સાધનસંપન્ન સુખી લોકો દ્વારા જે ચોરી થાય છે એનો તો વળી વિષય જ જુદો છે. ચોરી એ ગુનો છે એવા ભયથી ઘણા અટકે છે. પરંતુ કેટલાકને નાનપણથી કે મોટી વયે વારંવાર ચોરી કરવાનું મન થાય છે. વખત જતાં ચોરી એમને માટે વ્યસનરૂપ બની જાય છે. અને એથી આગળ જતાં ચોરી એમને માટે માનસિક રોગ બની જાય છે. આવા રોગને “કલેપ્ટોમેનિયા' (Kleptomania) કહે છે. આવી નાનીનાની ચોરી પુરુષો કરતાં મહિલાઓ વધારે કરે છે.
નાનીનાની ચોરી કરવામાં એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહીં પણ અશુદ્ધ, વિકૃત પ્રકારનો હોય છે. વખત જતાં એ એક પ્રકારની ગ્રંથિરૂપે બંધાઈ જાય છે. એથી પોતે જ્યાં સુધી ચોરી ન કરે ત્યાં સુધી ચેન પડતું નથી. આવી ગ્રંથિમાંથી સહેલાઈથી છૂટાતું નથી. નાની મનગમતી વસ્તુ સંતાડીને લઈ લેવી એ તેમની કુદરતી ટેવ બની જાય છે. શ્રીમંતોને એવી કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી, પરંતુ કંઈક ચોરીને મફત મેળવ્યાનો હલકી કોટિનો આનંદ તેમને માટે જુદો જ હોય છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના બનાવો વારંવાર બનતા હોય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે સુખી ઘરની હોય છે.
છેતરપિંડીની કલામાં વાણિયા લોકો જૂના વખતથી જાણીતા છે. મીઠું મીઠું બોલવું, વધારે કહીને ઓછું આપવું, તક સાધીને બીજાને શીશામાં ઉતારી દેવો વગેરે પ્રકારની આવડત વણિક લોકોને ઘણી હોય છે. વાણિયાના લોહીમાં જ આ વસ્તુ ઊતરી આવે છે. એથી જ વાણિયાની “લુચ્ચા' તરીકેની છાપ જમાનાજૂની છે. કવિઓએ પણ વણિકનાં શબ્દચિત્રો જૂના વખતમાં દોર્યા છે. જેમ કે :
लौल्येन किंचित्कलया य किंचित् । मापेन किंचित्तुलया च किंचित् ।। किंचिच्च किंचिच्च समाहरंति । प्रत्यक्ष चोरा वणिजा भवंति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org