________________
૧૦૮
જિનતત્ત્વ ધનસંપત્તિની રેલમછેલ વખતની સરળતા આર્થિક મુશ્કેલીમાં ટકતી નથી. આ બધામાં અપવાદરૂપ મનુષ્યો પણ હોય છે. સાધુસંતો અને ગૃહસ્થ સાધકો પોતાની સરળતાને ટકાવી રાખે છે અને સંવર્ધિત કરે છે.
જેમ પહેલાં ચિત્તમાં કુટિલતા હોય અને પછી સરળતા આવે એમ બને છે, તેમ પહેલાં સરળતા હોય અને પછી બીજા વિચારે કુટિલતા આવે એવી ઘટનાઓ પણ બને છે. જૂના વખતની એક ડોસી અને ઘોડેસવારની વાર્તા જાણીતી છે. જાત્રાએ ગયેલી ડોસી પોતાના માથે પોટલાનો ભાર લાગતાં પસાર થતાં ઘોડેસવારને કહે છે કે, “ભાઈ, મારું પોટલું જરા ગામ સુધી ઘોડા પર મૂકવા દે. હું થાકી ગઈ છું.” ઘોડેસવારે ના પાડી અને ચાલતો થયો. પણ પછી એના મનમાં કપટ જાગ્યું. એને થાય છે કે, “ડોસીના પોટલામાં પૈસા-ઘરેણાં હશે. પોટલું લઈને ઘોડો દોડાવી જઈશ.” એમ વિચારીને તે પાછો ડોસી પાસે આવ્યો. આ બાજુ ડોસી મનમાં વિચાર કરે છે કે, “સારું થયું સારું થયું મારું પોટલું ન આપ્યું. લઈને જો એ ભાગી જાય તો મારાં પૈસા-ઘરેણાં બધું જાય.” ઘોડેસવારે પાછા આવી ડોસી પાસે પોટલું માગ્યું ત્યારે એના મોઢા પરના ભાવ સમજી લઈને ડોસીએ કહ્યું, “ભાઈ, હવે નથી આપવું. જે તને કહી ગયો એ મને પણ કહી ગયો છે.”
- લાલચના પ્રસંગે માણસના મનમાં લુચ્ચાઈ પ્રગટતાં વાર નથી લાગતી. માણસનું ફળદ્રુપ ભેજું સ્વાર્થની અવનવી તરકીબો શોધી કાઢે છે. એટલે જ પ્રલોભનો સામે પોતાની સરળતાને ટકાવી રાખવા માટે વિશિષ્ટ મનોબળ, આત્મબળ જોઈએ.
શ્રમણ સમુદાયમાં પણ એમ મનાય છે કે ભગવાન ઋષભદેવના કાળના શ્રમણો જડ અને સરળ હતા. અજિતનાથથી પાર્શ્વનાથ ભગવાનના કાળના શ્રમણો પ્રાજ્ઞ અને સરળ હતા અને ભગવાન મહાવીર સ્વામીના કાળથી શ્રમણોમાં જડતા અને વક્રતા આવી ગઈ હતી.
ઋષભદેવના કાળના શ્રમણોની સરલતાનું ઉદાહરણ આપવામાં આવે છે. એક વખત શૌચ માટે ગયેલા શ્રમણોને પાછા ફરતાં વાર લાગી તો ગુરુ, મહારાજે પૂછ્યું, “કેમ આટલી બધી વાર લાગી ?” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ! માર્ગમાં એક નટ નૃત્ય કરી રહ્યો હતો તે જોવા અમે ઊભા રહ્યા એટલે વાર લાગી.” ગુરુ મહારાજે કહ્યું, “આપણાથી નટનું નૃત્ય જોવા માટે ન ઊભા રહેવાય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org