________________
વિક્ટોરિયા ધોધ
ધોધની એક બાજુ નાનો ટાપુ છે. એનું નામ છે “લિવિંસ્ટન ટાપુ” કે જ્યાંથી લિવિંસ્ટને પહેલવહેલાં આ ધોધનાં દર્શન કર્યા હતાં. બીજી એક બાજુ ખીણને જોડતો રેલવેનો પુલ બાંધવામાં આવ્યો છે કે જેથી મુસાફરો ટ્રેનમાં બેઠાં બેઠાં ગર્જતો ધોધ નિહાળી શકે અને ઊડતાં જલબિંદુઓથી ભીંજાઈને રોમાંચ અનુભવી શકે.
ભોમિયાએ અમને કહ્યું કે, “આ ધોધની ખાસિયત એ છે કે ચોમાસામાં પાણી ઓછું પડે છે અને ઉનાળામાં વધારે પડે છે.'
સાચી વાત છે ? આવું કેમ ?'
સાચી વાત છે. અહીં ચોમાસું નવેમ્બરથી માર્ચ સુધી હોય છે. ત્યારે નજીકમાં પડેલા વરસાદથી ધોધના પાણીની સાધારણ વૃદ્ધિ થાય છે, પરંતુ પછી એપ્રિલ-મે મહિનામાં એનો જલરાશિ એકદમ વધી જાય છે, કારણ કે ઝામ્બેઝી નદીનો ધોધમાર વરસાદથી પાણી ભરાવાનો વિસ્તાર (Catchment Area) અહીંથી આશરે એક હજાર માઈલ દૂર છે. અનેક વળાંકોવાળી નદીમાં આવેલા એ પૂરને અહીં સુધી પહોંચતાં બે-અઢી મહિના લાગી જાય છે.'
કુદરતમાં પણ કેવી વિચિત્ર વ્યવસ્થા હોય છે ! અમે ધોધ જોતાં જોતાં એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ પર જતા હતા. કોઈ ઉતાવળ હતી નહિ. રમણીય ધોધ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. એના પતનમાં અને પતનના ઉદ્યોષમાં શ્રવણમધુર લય હતો. એક નંબરથી છેલ્લા નંબર સુધી ખાસ્સે ચાલવાનું છે. કેટલીક કેડીઓ વાંકીચૂકી છે, પણ એમાં ભૂલા પડાય એવું નહોતું, કારણ કે સ્થાનિક ચોપગા ભોમિયાઓ અમને દોરી જતા હતા. એ ભોમિયા હતા વાંદરાઓ. તેઓ આપણી સાવ નજીક આગળ આગળ ચાલે. કેડીમાં બે ફાંટા આવે તો એ આપણને સાચી બાજુ લઈ જાય. તેમની ચાલમાં સાહજિકતા અને નિર્ભયતા હતી. આપણે ઊભા રહીએ તો આપણી રાહ જોતા બેસી રહે. તેઓ આ જે સેવા સ્વેચ્છાએ બજાવતા તે બક્ષિસની આશાએ. અમે સાથે લીધેલાં કેળાં, ચણા, બિસ્કિટ આપીને એમને પ્રસન્ન કર્યા.
પ્રકૃતિનાં કેટલાંક તત્ત્વોમાં એવી ખૂબી હોય છે કે પ્રત્યેક વખતે તે નવું સૌન્દર્ય ધારણ કરે. વિક્ટોરિયા ધોધનું પણ એવું જ છે. એ સવારે જુઓ, બપોરે કે સાંજે જુઓ, અંધારી રાતે જુઓ કે પૂનમની રાતે, ઉનાળામાં જુઓ કે શિયાળામાં, દરેક વખતે એણે નવું જ રૂપ ધારણ કરેલું હોય !
બપોર પછી અમે હેલિકૉપ્ટરમાં બેસીને ઝામ્બેઝી નદી અને વિક્ટોરિયા ધોધનું ચારે બાજુથી વિહંગાવલોકન (હેલિકૉપ્ટરાવલોકન) કર્યું. એ કરીએ ત્યારે જ ધરતીમાં પડેલી લાંબી ફાટ સહિત પ્રપાતનો સંપૂર્ણ વાસ્તવિક ખ્યાલ આવે છે. અમને તો થોડે દૂર નદીના પાણીમાં રમત કરતા હાથીઓ પણ જોવા મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org