________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સુધી, થોભીને જોવા માટે પંદર પોઇન્ટ છે. તમારી અનુકૂળતા પ્રમાણે કરશો. બપોર પછી આપણે હેલિકૉપ્ટરમાં જવાનું ગોઠવીશું.”
પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ડાબી બાજુથી જોતાં જોતાં જમણી બાજુ જવાથી, ખીણની સામેની બાજુએ આવેલા ધોધનું ઉત્તરોત્તર વધુ રમણીય દૃશ્ય જોવા મળે છે. પૉઇન્ટના નંબર પણ એ રીતે આપેલા છે. ધોધની સામેનો પ્રવાસીઓનો આ વિસ્તાર ઘટાદાર વૃક્ષો અને ઝાડીવાળો છે. પ્રખર તડકામાં એથી રાહત રહે છે. એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ સુધી અને એમ છેવટ સુધી કેડી પાકી બાંધવામાં આવી છે કે જેથી ન ચલાય તે લોકો વ્હીલચેરમાં જઈ શકે. અમારામાંના કેટલાકે એનો લાભ પણ લીધો.
ડાબી બાજુ સૌપ્રથમ ટેવિડ લિવિંસ્ટનનું શોધતફરીના પહેરવેશમાં, બૂટ, એન્કલેટ અને છાજલીવાળી ટોપીવાળું ઊભું પૂતળું છે. સામી બાજુ ધોધ જોતાં જ લાગે કે જાણે પાણીનો લાંબો વિશાળ પડદો ઊભો ન કર્યો હોય ! સવાપાંચ હજાર ફૂટ પહોળો આ ધોધ દુનિયામાં પહોળામાં પહોળો ધોધ છે. તે આશરે ત્રણસો ફૂટ નીચે પડે છે. આ ધોધની લાક્ષણિકતા એ છે કે બીજા ઘણા-ખરા ધોધનું ઉપરથી પડતું પાણી નીચે સુધી જોઈ શકાય છે; નીચે જઈને બોટમાં ધોધ પાસે જઈ શકાય છે. પણ એવું અહીં નથી. પૃથ્વીના પડમાં અચાનક મોટો લાંબો ચીરો પડ્યો હોય અને નદીનું ધસમસતું પાણી ઓચિંતું નીચે પડી જાય એવો આ ધોધ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે પંદરવીસ કરોડ વર્ષ પૂર્વે આ પ્રદેશમાં ફાટેલા જ્વાળામુખીઓના લાવારસના નક્કર થઈ ગયેલા પથ્થરોમાં મોટા ધરતીકંપથી લાંબી ફાટ પડી ગઈ હશે. એથી વહેતી નદીમાં આ ધોધનું કુદરતી નિર્માણ થયું હશે. હેલિકોપ્ટરમાંથી જોઈએ તો આ વાત તરત સ્પષ્ટ સમજાય એવી છે.
આ ધોધમાં વધુમાં વધુ પાણી હોય છે ત્યારે એક મિનિટમાં પંચાવન કરોડ લિટર જેટલું પાણી નીચે પડે છે. એના છાંટા, જલબિંદુઓ પંદરસો ફૂટ ઊંચે ઊડે છે. એથી ધુમ્મસ કે ધુમાડા જેવું વાતારણ દૂરથી દેખાય છે. એને લીધે નીચે પડતું પાણી બરાબર દેખાતું નથી, ધૂંધળું દેખાય છે, જાણે કે આપણને આંખે મોતિયો આવ્યો ન હોય ! એટલે જ અહીં બે પૉઇન્ટને “કેટેરેક્ટ (મોતિયો) પૉઇન્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. મોટો ધોધ હોય ત્યાં સતત ઊડતાં સીકરોમાં મેઘધનુષ્ય દેખાય. એટલે એક પૉઇન્ટને અહીં “રેઇનબો પૉઇન્ટ' એવું નામ આપ્યું છે. એક બાજુ ધોધનો આકાર ઘોડાની નાળ (Horse shoe) જેવો દેખાય છે, એટલે એને એવું નામ આપવામાં આવ્યું છે. જે જગ્યાએ બારે માસ દિવસરાત જથ્થાબંધ પાણી પડે છે તેને મુખ્ય ધોધ (Main Falls) કહે છે. એક પૉઇન્ટને “ડેન્જ૨ પૉઇન્ટ' નામ અપાયું છે, કારણ કે ત્યાં સાચવીને જવું પડે છે અને ત્યાંથી નીચે નિહાળતાં ખીણની ભયાનકતાનો ખ્યાલ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org