________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
૭૪
શોધી કાઢ્યા. ત્યારે લિવિંગ્સ્ટન મેલેરિયા તાવમાં પટકાયા હતા. ત્યાર પછી સાજા થતાં લિવિંગ્સ્ટને સ્ટેન્લી સાથે સરોવ૨માં સફર કરી, શોધસફરોના અનુભવોની વાતો થઈ અને સ્ટેન્લી પાછા ફર્યા. લિવિંગ્સ્ટને આફ્રિકામાં જ પોતાનું જીવન પૂરું કર્યું.
લિવિંગ્સ્ટને ચાલીસ વર્ષની વયે, ઈ. સ. ૧૮૫૫ના નવેમ્બરમાં આ વિક્ટોરિયા ધોધની શોધ કરી હતી. એ દિવસોમાં જ્યારે રેલવે નહોતી, બળદગાડી કે ઘોડાગાડી નહોતી, ત્યારે સાહસિકો જંગલમાં કેડીએ કે કેડી વગર આગળ વધતા જતા, નકશાઓ બનાવતા તથા નોંધ લખતા જતા. આવું કપરું કાર્ય સ્થાનિક આદિવાસી જંગલી જાતિના લોકોના સહકાર વગર શક્ય નહોતું. લિવિંગ્સ્ટન ઝામ્બેઝી નદીમાં બાન્ટુ જાતિના સાથીદારો સાથે આગળ વધતા હતા. સ્થાનિક લોકોએ એ માટે ઝાડના મોટા જાડા લાંબા થડમાંથી કોતરીને હોડી બનાવી આપી હતી. આવી હાલકડોલક થતી જોખમી ગામઠી હોડીમાં તેઓ આગળ વધતા હતા ત્યાં એમણે નદી ઉ૫૨ દૂર ધુમ્મસ જેવું જોયું. તરત અનુમાન થયું કે ત્યાં પાણી નીચે પડતું હોવું જોઈએ એટલે કે ત્યાં ધોધ હોવો જોઈએ. હવે નદીનો વેગ વધતાં હોડીમાં જવાય એવું નહોતું. એટલે હોડી છોડીને એક બાજુના કિનારે તેઓ આગળ વધ્યા. ધોધ માટે ચાલતા જવામાં જોખમ હતું. એટલે પાસેના એક નાના ટાપુ પર જઈ, સૂતાં સૂતાં, પેટ ઘસડતાં તેઓ આગળ વધ્યા અને ધોધ નિહાળ્યો. આવો વિશાળ ધોધ જોતાં લિવિંગ્સ્ટનના હર્ષરોમાંચનો પાર ન રહ્યો. જિંદગીમાં પહેલી વાર આવું અદ્ભુત દૃશ્ય જોયું. તેઓ મનથી નાચી ઊઠ્યા. એમના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, ‘પોતાની પાંખો વડે ઊડતા દેવદૂતોએ આવાં રમણીય દશ્યો અવશ્ય જોયાં હશે !' (Scenes so lovely must have been gazed upon by Angels in their flight)
આવા પ્રચંડકાય બેનમૂન ભવ્ય ધોધનું નામ શું રાખવું ? લિવિંગ્સ્ટનને થયું કે આવા ધોધને તો પોતાની મહારાણી વિક્ટોરિયાનું નામ જ શોભે. એમણે પોતાના અહેવાલમાં આ ધોધને ‘વિક્ટોરિયા ધોધ' (Victoria Falls) તરીકે ઓળખાવ્યો. ત્યારથી એટલે કે ઈ. સ. ૧૮૮૫થી એ વિક્ટોરિયા ધોધ તરીકે જાણીતો રહ્યો છે.
લિવિંગ્સ્ટને આ ધોધની શોધ કરીને બહારની દુનિયાને એની જાણ કરી તે પહેલાં સ્થાનિક આફ્રિકન લોકોને તો એની ખબર હતી જ. તેમણે એને આપેલું કાવ્યમય નામ છે ‘ગર્જના કરતો ધુમાડો' (મોસી-ઓઆ-તુન્યા, Smoke that thunders). મોટા ધોધમાં પાણી એટલું બધું જોરથી પડતું હોય છે કે એનાં ઊડતાં સીકરોથી ધુમ્મસ કે ધુમાડા જેવું દૃશ્ય સર્જાય છે. એ દૃશ્ય એટલું મોટું હોય કે દૂરથી ધોધનું પડતું પાણી ન દેખાય, પણ ધડધડ અવાજ સંભળાય. ધુમાડો અવાજ કરે નહિ, પણ અહીં તો એની ગર્જના સંભળાય છે. એટલે સ્થાનિક લોકોએ સરસ નામ આપ્યું, ‘ગર્જના કરતો ધુમાડો’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org