________________
૧૨
વિક્ટોરિયા ધોધ
ઈસવીસનના ઓગણીસમા શતકમાં થઈ ગયેલાં ઇંગ્લૅન્ડનાં બાહોશ
મહારાણી વિક્ટોરિયા કેટલાં બધાં ભાગ્યશાળી હતાં કે એમના જમાનામાં અને ત્યાર પછી પણ બ્રિટન ઉપરાંત બ્રિટિશ સંસ્થાનોમાં અને અન્યત્ર અનેક સ્થળોને, ઇમારતો વગેરેને એમનું નામ અપાયું છે [ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન મુંબઈમાં નખાઈ ત્યારે પ્રથમ સ્ટેશન બોરીબંદરને ‘વિક્ટોરિયા ટર્મિનસ' (વી. ટી.) એવું નામ અપાયું હતું. એક જમાનામાં મુંબઈમાં ઘોડાગાડીને લોકો ‘વિક્ટોરિયા' કહેતા.]
આફ્રિકા ખંડમાં મોટામાં મોટું સરોવર તે ‘વિક્ટોરિયા સરોવર' છે અને મોટામાં મોટો ધોધ તે ‘વિક્ટોરિયા ધોધ' છે. તે સમયનાં બ્રિટિશ સંસ્થાનોમાં આ ધોધ અને સરોવર આવેલાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાબ્વે (જૂનું નામ રૂહોડેશિયા) રાષ્ટ્રમાં વિક્ટોરિયા ધોધ ઝામ્બેઝી નામની નદી ઉપર આવેલો છે. ત્યાં ગામનું નામ, રેલવેસ્ટેશનનું નામ, એરપૉર્ટનું નામ ‘વિક્ટોરિયા ફૉલ્સ' છે અને સૈકા પહેલાં ત્યાં બંધાયેલી પહેલી અને મોટામાં મોટી હોટેલનું નામ પણ ‘વિક્ટોરિયા ફૉલ્સ' છે. ૧૯૭૬માં આ ધોધનું નવું નામ ‘ચિન્મય શાન્તિ પ્રપાત’ – Chinmay Peace Falls ૨ખાયું છે, પણ તે રૂઢ થતાં હજી વાર લાગશે.
આ ધોધને ‘વિક્ટોરિયા' એવું નામ કોણે આપ્યું ? ઇંગ્લૅન્ડના મહાન શોધસફરી ડેવિડ લિવિંગ્સ્ટને. લિવિંગ્સ્ટન (૧૮૧૩-૧૮૭૩) સ્કૉટલૅન્ડના બ્રિટિશ વતની હતા. દાક્તરી વ્યવસાય છોડી, ચર્ચમાં પાદરી તરીકે જોડાઈ, ચર્ચની આજ્ઞાનુસાર મધ્ય આફ્રિકામાં ધર્મના પ્રચારાર્થે તેઓ આવ્યા હતા, પણ એમનો જીવ સાહસિક શોધસફરીનો હતો. અનેક સંકટો વેઠીને દુર્ગમ પ્રદેશોનો એમણે પ્રવાસ ખેડ્યો હતો અને પોતાના અનુભવોના વિગતવાર અહેવાલો લખ્યા હતા. સ્થાનિક કાળા આફ્રિકન લોકો સાથે, પોતાના માયાળુ સ્વભાવને કા૨ણે ભળતાં એમને વાર લાગી નહોતી. તેઓ એમની જ ભાષા બોલતા અને એમની જેમ રહેતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. એમણે ચર્ચ સાથે સંપર્ક છોડી દીધો હતો. એટલે જ તેઓ જીવે છે કે નહિ એની ભાળ કાઢવા ‘ન્યૂ યૉર્ક હેરલ્ડ’ નામના અખબારે પોતાના ખબરપત્રી હેન્રી મોર્ટન સ્ટેન્લીને મોકલ્યા હતા. તપાસ કરતાં કરતાં સ્ટેન્લીએ ટાંગાનિકા સરોવરના કિનારે ઊજીજી નામના ગામમાં એક ઝૂંપડામાં લિવિંગ્સ્ટનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org