________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ બીજી બાજુ, ચીનના તળ પ્રદેશમાં, ચે હાઈ નામના ગામમાં છેલ્લા બે દાયકામાં અનેક બહુમાળી મકાનો બંધાઈ ગયાં છે, જાણે બાજુ બાજુમાં મોટાં મોટાં ખોખાં ગોઠવ્યાં ન હોય ! એવી જ રીતે મકાઉમાં પણ ઘણાં મકાનો થયાં છે. મકાઉ પોર્ટુગીઝ સંસ્થાન મટી, ચીનની હકૂમત હેઠળ પચાસ વર્ષ માટે સ્વાયત્ત રાજ્ય થશે એટલે વેપાર રોજગારની ઘણી તકો ખુલ્લી થશે એવી ગણતરીએ શ્રીમંત ચીનાઓએ ઘણાંબધાં મકાનો બાંધી નાખ્યાં, પરંતુ ધાર્યું હતું તેવું થયું નહિ. વેપારીઓ નિરાશ થઈ ગયા. આશરે પાંત્રીસ હજાર જેટલા એપાર્ટમેન્ટ ખાલી પડ્યા છે. વેચાતો કે ભાડે લેનાર ખાસ કોઈ નથી.
જેમણે જૂનું મકાઉ જોયું હશે તેમને નવું મકાઉ બહુ જુદું લાગશે. એનું એક મુખ્ય કારણ તે સત્તા પરિવર્તન છે. યુગ૫રિવર્તન થતાં સત્તા પરિવર્તન પણ ક્યારેક થાય છે. યુરોપીય સંસ્થાનવાદના સૂર્યનો હવે અસ્ત થયો છે. બ્રિટને વીસ વર્ષના વાયદે ૧૯૯૭માં હૉંગકૉંગ ચીનને સુપ્રત કર્યું, તેવી રીતે પૉર્ટુગલને પણ ૧૯૯૯માં મકાઉ સુપરત કરવું પડ્યું, પરંતુ સાડાચારસો વર્ષમાં મકાઉનો જે વિકાસ નહોતો થયો તે આ વીસ વર્ષમાં થયો. મકાઉની સરકારી તિજોરીમાં જમા રહેલી રકમ ચીનને સોંપવાને બદલે એનો ત્વરિત ઉપયોગ પોર્ટુગલે રસ્તાઓ, પુલો, હૉસ્પિટલો, સ્કૂલો, હૉટેલો, ઉદ્યાનો, બહુમાળી મકાનો, સંગ્રહાલયો, સરોવર વગેરેના બાંધકામમાં કરી નાંખ્યો. - સાંજ પડી ગઈ હતી. આખા દિવસમાં મકાઉમાં અમે ઘણું જોયું અને હજુ ઘણું બાકી રહી ગયું. ઝગમગતી બત્તીઓનો પ્રકાશ વધવા લાગ્યો. નિશાચર મકાઉનો હવે દિવસ શરૂ થયો. હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો. પણ અમારે તો હોંગકોંગ પાછા ફરવાનું હતું. ગાઇડ હર્ટ અમને બંદર પર મૂકી ગઈ. પાસપોર્ટમાં સિક્કો મરાવી અમે સ્ટીમરમાં બેસીને હોંગકૉંગમાં સ્વસ્થાને પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org