________________
બોરોબુદુર જળવાઈ હશે, પરંતુ પછી કંઈક એવું બનતું રહ્યું હશે કે જેથી લોકો સ્થળાન્તર કરી ગયા હશે. કેટલીક અટકળો થાય છે. મંદિર પર મુસલમાનોનાં આક્રમણ ત્યારે હજુ ચાલુ થયાં નહોતાં. સંભવ છે કે પાસે રહેલો જ્વાળામુખી ફાટ્યો હોય કે ભયંકર ધરતીકંપ થયો હોય. મંદિરનાં દર્શન કરવા જતાં એક યુવાન રાજકુમારનું હૃદય બંધ પડતાં અવસાન થવાથી લોકો વહેમાઈ ગયા હોય અથવા શૈલેન્દ્ર વંશનો અંત આવ્યો હોય. ગમે તેમ, પણ બોરોબુદુરની પડતી ચાલુ થઈ ગઈ. થોડા વખતમાં તો તે એક નિર્જન સ્થળ બની ગયું અને આસપાસ ઊગેલાં ઝાડીઝાંખરાંમાં એ અવરજવર વિનાનું બની ગયું. સૈકાઓ સુધી તે અજ્ઞાત રહ્યું.
બોરોબદરના અસ્તિત્વની યત્કિંચિત્ જાણકારી આસપાસના ગ્રામીણ લોકોને રહ્યા કરી હશે, પણ એને ૧૮૧૪માં અજવાળામાં લાવનાર હતા અંગ્રેજ ગવર્નર સ્ટેમ્ફર્ડ રાફેલ્સ. એમના પ્રયાસોથી ત્યાં સાફસૂફી અને મરામત થવા લાગી. એના યાત્રા-પ્રવાસ માટે સુવિધાઓ વધવા લાગી અને ફરી પાછું બોરોબુદુર જીવતું જાગતું બની ગયું. ઇન્ડોનેશિયાને સ્વતંત્રતા મળ્યા પછી પહેલા પ્રમુખ ડૉ. સુકર્ણના પ્રયાસથી યુનેસ્કોએ એને આંતરરાષ્ટ્રીય સ્મારક તરીકે સ્વીકૃતિ આપી અને એની જાળવણી માટે મોટી રકમ ફાળવી. ત્યારથી બોરોબુદુરનો પુનરુદ્ધાર થયો. અહીં એક બોધિવૃક્ષ વાવવામાં આવ્યું અને દર વૈશાખી પૂર્ણિમા(ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને નિર્વાણનો આ એક જ દિવસ છે)એ અહીં મેળો ભરાય છે, શોભાયાત્રા નીકળે છે અને ઉત્સવ થાય છે. બધા જ એમાં ભાગ લે છે. જાવા એક એવો ટાપુ છે કે જ્યાં હિંદુઓ, બૌદ્ધો, મુસલમાનો અને ખ્રિસ્તીઓ સાથે સંપથી રહે છે અને બધાનાં ધર્મસ્થાનકો ત્યાં આવેલાં છે.
આકાશ ભરીને ઊભેલું બોરીબંદુરનું મહાકાય મંદિર જોઈને અમે નીચે ઊતર્યા. ત્યાં તો શર્ટ વેચનારી પેલી બાઈ મારા મિત્રને યાદ રાખીને દોડતી આવી અને ખરીદવા માટે કરગરવા લાગી. એમ કરતાં તે ઠેઠ ગાડી સુધી આવી. ગાડીમાં બેસતાં મેં મિત્રને કહ્યું, “આપણને શર્ટની જરૂર નથી. પણ ભાવ પૂછયા છે તો આપણે બિચારીને ખટાવવી જોઈએ. આ કોઈ મોટી વિસાત નથી.' મિત્ર માની ગયા અને ગાડીમાંથી નીચે ઊતર્યા, પણ એટલી વારમાં તે બાઈ છેવટે નિરાશ થઈને ગિરદીમાં
ક્યાં ચાલી ગઈ તે ખબર ન પડી. ગરીબોનાં પ્રારબ્ધ પણ કેવાં હોય છે ! અંતરાયકર્મ કેવું કામ કરે છે ! બોરોબુદુરનું આરોહણ કરતાં મારી કમરનો દુખાવો પોતે એવો ગભરાઈ ગયો કે પાછા ફરવાનું એણે નામ ન લીધું. પવિત્ર ધર્મસ્થાનકોનો પ્રભાવ દેહ અને ચિત્ત પર કેવો પડે છે તે મને જાતે અનુભવવા મળ્યું, તો પછી આત્મિક શક્તિ ખીલવવામાં તે મોટું નિમિત્ત કેમ ન બની શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org