________________
બુજુબુરા
૫૩ પચાસ ટકાથી વધુ છોકરાઓ શાળામાં ભણવા જતા નથી. માબાપને પોસાતું નથી અને દરકાર પણ નથી. એટલે છોકરાઓ સાતઆઠ વર્ષના થતાં પિતાની સાથે ખેતીમાં કે મજૂરીના કામે લાગી જાય છે. જેમની પાસે એવી સગવડ ન હોય તે બેકાર રખડે છે.”
બુજુબુરામાં બેત્રણ માળવાળાં મકાનો ઓછાં અને નવાં મકાનો પણ ઓછાં. આકાશ ચારેબાજુ ખુલ્લું દેખાય. ફરતાં ફરતાં અમે ટાંગાનિકા સરોવરના કિનારે પહોંચ્યા, ત્યાં લટાર મારી, ઘરે ભોજન કરી અમે નિદ્રાધીન થયા.
બીજે દિવસે અમે “જયપુર ફૂટ'ના કેન્દ્રની મુલાકાત લીધી. સ્થાનિક રોટરી ક્લબના સહકારથી તથા ભારતના ટ્રસ્ટ તરફથી આ કેન્દ્ર ચલાવવામાં આવે છે. ભારતના ટેકનિશિયનોએ અહીં રહીને સ્થાનિક ટેકનિશિયનોને તાલીમ આપી છે. અત્યાર સુધીમાં બે હજાર અપંગ સ્ત્રીપુરુષોને પગ મફત બેસાડી આપવામાં આવ્યો છે. અલબત્ત દૂરના લોકો અસલામતીના ડરને લીધે જવલ્લે જ આવે છે.
બપોરે ભોજન વખતે બે ગુજરાતી યુવાનોનો પરિચય થયો. આનંદ અને શાલીન બંને ભાઈઓ છે અને ગુજરાતી સારું બોલે છે. પોતે કચ્છી ભાટિયા છે ને ઘરમાં બધા કચ્છી બોલે છે. એમના દાદા સવાસો વર્ષ પહેલાં બુજુબુરામાં આવીને વસેલા. ત્યારથી તેમનું કુટુંબ બુજુબુરામાં છે. બંને ભાઈઓએ કેનેડામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો, પરંતુ ત્યાંના જીવનધોરણથી આકર્ષાયા વિના પાછા બુજુબુરામાં જ આવીને રહ્યા છે અને પોતાના પિતાના વ્યવસાયમાં સારી રીતે જોડાઈ ગયા છે. હું મુંબઈ યુનિવર્સિટીનો નિવૃત્ત પ્રાધ્યાપક છું એવો રોનાલ્ડ પરિચય આપતાં આનંદ તરત જ હિંદુ મંદિરમાં સાંજે મારું વ્યાખ્યાન ગોઠવ્યું. ગામમાં અઢીસો જેટલા ગુજરાતી છે. બધાને અડધા કલાકમાં ફોનથી સમાચાર પહોંચાડી દેવાયા.
સાંજે હિંદુ મંદિરમાં ગુજરાતીઓને મળવાનું થયું. બુજુબુરામાં દોઢસો વર્ષથી વસવાટ છે, પણ ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ધાર્મિક-સામાજિક ઉત્સવો વગેરેમાં તેમણે પોતાનું અસલી સ્વરૂપ જાળવી રાખ્યું છે. સભામાં મેં તથા મારા મિત્રોએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા. સભા પછી એક ભાઈ મળ્યા. પોતે જૈન છે. પોતાના બંગલામાં ઘરદેરાસર છે. ત્યાં દર્શન માટે આવવા કહ્યું. જવાનું મન થયું. જઈને જોયું તો આનંદવિભોર થઈ ગયા. બંગલાની બાજુમાં સરસ મોટું મંદિર કર્યું છે. ડુંગરની ટોચ પર આલીશાન બંગલો અંદરથી પણ કેટલો વિશાળ અને સુંદર સજાવટવાળો ! એમણે કહ્યું કે એમના પિતાશ્રી ભારતમાં મહિને ત્રીસ રૂપિયાની નોકરી કરતા હતા. તે છોડીને બુજુબુરામાં આવવાનું સાહસ કર્યું. ભાગ્ય પલટાયું અને ઘણું ધન કમાયા, પણ ધર્મકરણી સાચવી રાખી છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર ઇત્યાદિમાં તેઓની ચુસ્તતા જોઈને એમને માટે અમને બહુ માન થયું. બુજુબુરામાં દસેક જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org