________________
૨૮
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સિકોયા પાર્કના વિકાસમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે વખતે એનું નામ “જનરલ ગ્રાન્ટ પાર્ક' એવું રખાયું હતું, પરંતુ ત્યાર પછી પાર્કનો વિસ્તાર ઘણો વધ્યો. એટલે એને “સિકોયા નૅશનલ પાર્ક” એવું નામ અપાયું. વળી બાજુના ખીણના પ્રદેશને પણ પાર્કનો દરજ્જો અપાયો અને એનું નામ કિંગ્સ કેન્યન પાર્ક' રખાયું. વખત જતાં આ બંને પાર્કને જોડી દેવામાં આવ્યા છે. પાકનું નૈસર્ગિક વાતાવરણ બરાબર જળવાઈ રહે એ માટે સરકાર અને વ્યવસ્થાપકો બહુ સભાન રહ્યાં છે.
અમે માહિતી કેન્દ્ર પાસે પહોંચ્યાં. ગાડી પાર્ક કરીને એમાં દાખલ થયા. પૂછપરછ કાર્યાલયની બંને બાજુ વિશાળ હોલમાં સ્થાયી પ્રદર્શન જેવું હતું. અમે પાકનો નકશો લઈ અભ્યાસ કર્યો. અહીં પોતાની ગાડીમાં બેસી દૂર દૂરનાં મહત્ત્વનાં સ્થળો જાતે મરજી મુજબ જોઈ શકાય છે. તદુપરાંત ભોમિયા (Ranger) સાથે નિશ્ચિત સમયે પગે ચાલતાં ચાલતાં કેડીએ કેડીએ ભમી શકાય છે.
અમે પહેલાં રેન્જર – ભોમિયાવાળા કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું. જેઓને આ કાર્યક્રમમાં જોડાવું હોય તેઓ બધા ત્યાં એકત્ર થયા હતા. એ માટે કશી ફી. આપવાની નહોતી. લોકો રસ લેતા થાય અને રસિક લોકોને અધિકૃત જાણકારી, નજરે જોવા સાથે મળી રહે એ જ આ દૈનિક કાર્યક્રમ પાછળ આયોજકોનો આશય છે. સમય થતાં બે ભોમિયા ત્યાં આવી પહોંચ્યા, એક યુવક અને એક યુવતી. યુવકનું નામ હતું ‘ટીમ' અને યુવતીનું નામ હતું “કેરોલ હાકુજા.” અટક અને મુખાકૃતિ પરથી યુવતી જાપાની લાગતી હતી, પણ તેના ઉચ્ચારો પરથી તે અમેરિકામાં જ જન્મી અને ભણી હશે એવું અનુમાન થયું. અંગત પ્રશ્ન ન પુછાય છતાં ઉત્સુકતા ખાતર પૂછતાં અમારું અનુમાન સાચું પડ્યું. બંને રેન્જરે માથે ટોપી સહિત ખાખી યુનિફોર્મ પહેર્યો હતો. તેમના શર્ટને ચાર મોટાં ખિસ્સાં હતાં. દરેક ખિસ્સામાં પ્રવાસીઓને સમજાવવા, બતાવવા કંઈક ચીજવસ્તુઓ રાખેલી હતી. વળી તેમની પાસે હેવરસેક બૅગ હતી. એ પણ ભરેલી હતી. બંને રેન્જરના ચહેરા કોમળ, સૌમ્ય, પ્રસન્ન અને શાંત હતા. બંને પ્રકૃતિપ્રેમી જણાયા. આ કામ માટે તેઓએ તાલીમ લીધી હતી. કોઈ પ્રશ્ન પૂછે તો તેઓ રાજી થઈને સસ્મિત જવાબ આપતા.
પ્રવાસીઓનાં બે જૂથ કરવામાં આવ્યાં. એક જૂથ ટીમ સાથે જાય અને બીજું જૂથ હાકુજા સાથે જાય. દોઢ-બે કલાકે પાછા આવ્યા પછી બંને જૂથની અદલાબદલી થાય. અમે પહેલાં “ટીમ' સાથે જોડાયા. થોડું ચાલીએ અને થોડી વાર ઊભા રહીએ એવો તેઓનો ક્રમ હતો કે જેથી કોઈને થાક ન લાગે. ટીમે કહ્યું, “કૅલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં સિકોયા વૃક્ષનાં પોણોસોથી અધિક ઝુંડ (Grove) છે. એમાં પાંચ પંદર વર્ષનાં બાલવૃક્ષો છે, બસો પાંચસો વર્ષનાં યુવાન વૃક્ષ છે અને બે-ત્રણ હજાર વર્ષનાં વયોવૃદ્ધ વૃક્ષો પણ છે. કેટલાક માણસોના ચહેરા પરથી એની ઉમરનો અંદાજ જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org