________________
ગ્રેટ બેરિયર રીફ
૨૫ સસ્મિત વદને ટગરટગર જોવા લાગ્યા, જાણે કોઈ પરીક્ષાખંડમાં સુપરવાઇઝર ન હોય ! એવામાં એક કર્મચારી યુવતી અચાનક દોડી અને એક મહિલા પ્રવાસી પાસે જઈને ઊભી રહી. એણે પોતાના હાથમાં રાખેલી કોથળી પહોળી કરીને એ મહિલાને આપી. મહિલાને ઊલટી થઈ તે કોથળીમાં લેવાઈ ગઈ. નૅપ્લિન અને પાણી અપાઈ ગયાં. હવે સમજાયું કે કર્મચારીઓ ઊલટી થાય તે માટે સુસજ્જ થઈને ઊભા હતા. તેઓનો આ રોજનો કાર્યક્રમ હતો. તેઓને હવે એવો મહાવરો થઈ ગયો હતો કે કોને ઊલટી થવાની શક્યતા છે તે એના ચહેરાની બદલાતી રેખાઓ પરથી પારખી શક્તા અને તરત તેની પાસે કોથળી, પાણી વગેરે લઈ પહોંચી જતા.
અમારા વિભાગમાં અડધા કલાકમાં વીસેક જણને ઊલટી થઈ હશે. ઊલટી એવી ચેપી વસ્તુ છે કે એકને થાય તો આજુબાજુવાળા કોઈકને પણ કદાચ થાય. અહીં આ સ્ટીમરમાં કર્મચારીઓની કાર્યદક્ષતા એવી હતી કે ફટાફટ કોથળીઓ પહોળી કરીને અપાય અને ઊલટીવાળી કોથળીઓનો તરત નિકાલ થઈ જાય. ઊલટીનો એક છાંટો તેઓએ જમીન પર પડવા દીધો નથી. કેટલાકનું કામ એટલું ઝડપથી પતી જતું કે બીજાને બહુ ખબર પડતી નહિ. કર્મચારીઓએ ક્યાંય દુર્ગધ પ્રસરવા દીધી નહિ, એટલું જ નહિ, જરૂર લાગે ત્યાં તેઓ સુગંધી પ્રવાહીનો છંટકાવ કરી જતા. સૂગવાળું કામ કેવું હસતા મુખે, કર્તવ્યરૂપે, પૂરી સાવધાની સાથે, અગમચેતી અને દક્ષતાપૂર્વક તેઓએ કર્યું એનો ખ્યાલ નજરે જોવાથી વધુ આવે.
અમારો સવારનો સમુદ્ર-પ્રવાસ કેટલો બધો પ્રસન્ન અને પ્રફુલ્લિત હતો ! બેરિયર રીફનો સરસ અનુભવ લઈને પાછા ફરતાં કેટલાકને માટે એ પ્રવાસ કેવો બેચેનીભર્યો બની ગયો ! કેટલાકે તો બસમાં પણ આખે રસ્તે ઝોલાં ખાધાં.
સમુદ્રનો પ્રવાસ હંમેશાં બધાને માટે “મધુરેણ સમાપયેત્' જ હોય છે એવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org