________________
અબુ ધાબીની સાંજ
૧૯ કલાક તો ઘડીકમાં પસાર થઈ ગયો. સમુદ્રમાં ક્ષિતિજ ઉપર સૂર્ય નીચે ઊતરી રહ્યો હતો. બીજી બાજુ કાચની દીવાલવાળાં ઊંચાં મકાનોની ઑફિસોમાં દીવાબત્તી થઈ હોય એવું લાગતું હતું. વાસ્તવમાં એ દીવાબત્તી નહોતી, પણ તે બધીમાં આથમતા સૂર્યનું પ્રતિબિંબ ઝળહળી રહ્યું હતું.
આથમતો સૂરજ સમુદ્રની ક્ષિતિજ ઉપર લાલ દડાની જેમ ગોઠવાઈ ગયો, જાણે હમણાં પાણીમાં દડી પડશે. વાતવાતમાં તો તે અદશ્ય થઈ ગયો અને અંધકાર દૃષ્ટિને આવરવા લાગ્યો. સામે બીજી બાજુ મકાનોમાં સાચી દીવાબત્તીનો પ્રકાશ પારદર્શક કાચમાંથી પ્રસરવા લાગ્યો. સમગ્ર દૃશ્યના સૌન્દર્યે આકાશને ઝાંખું પાડી દીધું હતું.
અમે ઊભા થયા. માછલી પકડવા માટે પાળી પાસે ઊભેલા પિતા-પુત્ર નિરાશ થઈને પોતાના સળિયા પાછા લઈ રહ્યા હતા. પિતા પુત્રને આશ્વાસન આપી રહ્યો હતો એમ તેમની અરબીમાં થતી વાત સાંભળીને નવીનભાઈએ અમને કહ્યું.
આપણી પ્રાર્થના ફળી’ એમ અમને સૌને સહર્ષ લાગ્યું. અમે ચાલવા લાગ્યા.
નવીનભાઈએ કહ્યું, “આપણે દિવસે કૉફીપોટ અને કપના આકારનો ફુવારો જોયો. હવે જે ફુવારો જોવાનો છે તે શેખના મુગટના આકારનો છે. અંધારું થયા પછી જ તેની શોભા નિહાળવા જેવી છે. એટલા માટે આપણે અહીં સમય પસાર કર્યો. હવે ત્યાં જઈએ.'
અમે ત્યાં પહોંચ્યા. વિશાળ વર્તુળાકાર જગ્યામાં ઉદ્યાનની વચ્ચે બનાવેલો ખાસ્સો ઊંચો ફુવારો એના ઊડતા સીકરો અને રંગબેરંગી બત્તીઓના પ્રકાશને લીધે રત્નજડિત મુગટ જેવો લાગતો હતો. વળી નીચે ચારેબાજુ ફુવારાઓમાંથી ઊડતું પાણી વિશાળ છત્રનો આકાર ધારણ કરતું હતું. વાતાવરણમાં મહેક અને શીતળતા હતાં. ફુવારો ઉપર ચડીને અમે જોયો અને પછી નીચેથી પણ જોયો. એના સૌન્દર્યમાં દૃષ્ટિકોણ અનુસાર વૈવિધ્ય હતું. સૌન્દર્યવૃદ્ધિમાં વિજ્ઞાનનો ફાળો ઓછો નથી, પણ ખર્ચાળ જરૂર છે. સૌન્દર્યની અભિવૃદ્ધિ વગર ખર્ચે તો પ્રકૃતિ કરી શકે એની તાજી પ્રતીતિ અમને ત્યાં જ થઈ. નીચેથી અમે ઊંચી દષ્ટિ કરીને કુવારો જોતાં હતાં તે જ વખતે આકાશમાં બંકિમ ચંદ્ર અને શુક્રનો ગ્રહ રત્નના આભૂષણની જેમ પ્રકાશી રહ્યા હતા. આ ફુવારાના દશ્યનું જ જાણે એક અંગ હોય, તેમ બને એવા યોગ્ય સ્થાને ગોઠવાયેલા હતા. આવું દશ્ય તો જવલ્લે જ જોવા મળે.
ફુવારો જોઈ, અબુ ધાબીની વિદાય લઈ અમે દુબઈ પાછા ફર્યા. આખે રસ્તે લાઇટોનો ઝળહળતો પ્રકાશ હતો એટલે ગાડીની ગતિને કોઈ અવરોધ નહોતો. અમે દુબઈ સમયસર પહોંચ્યા અને અમારો કાર્યક્રમ પણ નિર્ધારિત સમયે જ ચાલુ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org