________________
૧૭
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અબુ ધાબીનું નામ કેવી રીતે પડ્યું તે વિશે એવી રસિક દંતકથા છે કે ઈ. સ. ૧૭૬૧માં લિવાના શેખ ધિયબ બિન ઈસાએ પોતાને માટે શિકાર કરી લાવવા માટે એક ટુકડી મોકલી હતી. રણમાં શિકાર કરવા નીકળવું હોય તો રેતીમાં પડેલાં પશુઓનાં પગલાંઓને અનુસરતાં જવું પડે. શિકારીઓ રાત્રિમુકામ કરતાં કરતાં આગળ વધતા ગયા. એમ કરતાં તેમણે એક દિવસ હરણનાં પગલાં જોયાં. પગલાંને અનુસરતા તેઓ સમુદ્રકિનારાના પ્રદેશ તરફ પહોંચ્યા. એક દિવસ સવારે ગાઢ ધુમ્મસ હતું. ધુમ્મસ વીખરાતાં તેઓને દૂર દૂર હરણોનું એક ટોળું ઝરણામાં પાણી પી રહેલું દેખાવું. તેઓ એ બાજુ દોડ્યા. એટલામાં હરણો ભાગી ગયાં, પરંતુ રણવિસ્તારમાં પીવાલાયક મીઠું પાણી જોવા અને પીવા મળ્યું એથી તેઓ આનંદિત થઈ ગયા. તેઓએ આવીને શેખને આ સમાચાર આપ્યા. શેખ એ જાણીને બહુ રાજી થયા. એમણે એ જગ્યાને “અબુ ધાબી' એવું નામ આપ્યું. અરબીમાં અબુ એટલે પિતા અને ધાબી એટલે હરણ. અબુ ધાબી એટલે કે હરણોના પિતાની, વડીલોની આ જગ્યા એટલે કે હરણોની પિતૃભૂમિ છે એવો અર્થ થાય. ત્યાં પીવાલાયક મીઠું પાણી છે એટલે ત્યાં લોકોને વસાવી શકાય. વળી સમુદ્રકિનારાનો આ પ્રદેશ છે અને એને અડીને એક ટાપુ પણ છે. શેખ ધિયબ બિન ઈસાએ ત્યાં નગર વસાવ્યું. શેખને પોતાને મોટી ઉંમરે લિવા છોડીને ત્યાં રહેવા જવાનું ગમ્યું નહિ, પરંતુ સમુદ્રકિનારાનું મહત્ત્વ સમજીને એમનો દીકરો શેખ શબ્બત ૧૭૯૩માં ત્યાં રહેવા ગયો. ત્યારથી અબુ ધાબી અમીરાતનું પાટનગર બની ગયું, પરંતુ પાટનગર એટલે ? સમગ્ર રાજ્યમાં જ્યાં વસ્તી જ નહિ જેવી ત્યાં આ પાટનગરમાં કેટલી હોય ? બે-અઢી હજારની ત્યારે વસ્તી હતી અને તે પણ ગરીબ આરબોની.
અમારી વાતચીત દરમિયાન આ ખાડીના વિસ્તારોમાં ચાલી રહેલા પુરાતત્ત્વ સંશોધનની વાત નીકળી. તેલ કાઢવા માટે ખોદકામ તો કરવું પડે. એ ખોદકામ કરતાં કરતાં અહીં પ્રાચીન અવશેષો નીકળ્યા છે. સિંધમાં મોહેં-જો દડો અને હડપ્પાના અવશેષો મળ્યા પછી ગુજરાતમાં લોથલ અને કચ્છમાં ધોળાવીરાના અવશેષો જે મળ્યા છે તે ઉપરથી એમ મનાય છે કે ચારપાંચ હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની નજીકના આ પ્રદેશોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વસવાટ હશે. આજે જે રણપ્રદેશ છે તે ત્યારે કદાચ નહિ હોય. સમુદ્રની સીમા પણ આજે છે તેના કરતાં આઘીપાછી હશે. અબુ ધાબીમાં થયેલાં સંશોધનોની ઘટના રસિક છે. પહેલાં આવા અવશેષો બહરીનમાં મળી આવ્યા. એ માટે ડેન્માર્કના પુરાતત્ત્વવિદોની એક ટુકડી ખોદકામ કરવા લાગી હતી. ત્યાં પાંચ હજાર વર્ષ પ્રાચીન દીવાલો સહિત અવશેષો મળી આવ્યા. દરમિયાન ૧૯૫૦માં ઓઇલ કંપનીએ અબુ ધાબીમાં તેલ માટે ખોદકામ ચાલુ કર્યું હતું. એમાં કામ કરતા એક અંગ્રેજ ઑફિસરે પોતાના મિત્રોને જણાવ્યું કે બહરીન જેવા અવશેષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org