________________
અબુ ધાબીની સાંજ
૧૫ રસ્તો કાઢ્યો અને પોતે ઓફિસમાંથી રજા લઈ સાથે આવવાનું વચન આપ્યું કે પછી એમના પ્રેમને વશ થવાનું અમારા માટે અનિવાર્ય બની ગયું.
અમારે માટે નવી ગાડી અને હોશિયાર ડ્રાઇવરની વ્યવસ્થા થઈ ગઈ. મે મહિનાના ઉનાળાનો સમય હતો પણ આ બાજુ ઘર, ઑફિસ, કાર, સ્ટોર્સ બધે જ એરકન્ડિશન ફરજિયાત છે. વળી દુબઈથી અબુ ધાબીનો નવો બનેલો આશરે ૧૮૦ કિલોમીટરનો સીધો વિશાળ ધોરી રસ્તો ગતિસહાયક હતો. નિર્ધારિત સમયે અમારી મંડળીએ પ્રસ્થાન કર્યું. રસ્તામાં અબુ ધાબીના વિકાસની વાતો નીકળી.
ભૌગોલિક દૃષ્ટિએ તો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ ઓમાનના અખાતમાં આવેલો છે. અરબી સમુદ્રમાં બહારના ભાગમાં ઓમાનની સલ્તનત છે, જેનું મુખ્ય બંદર મસ્કત છે. અખાતની અંદરની સાંકડી ખાડીમાં શારજાહ, દુબઈ, અબુ ધાબી, દોહા (કતાર), બહરીન, કુવૈત વગેરે બંદરો આવેલાં છે.
સંયુક્ત આરબ અમીરાત એટલે સાત અમીરાતનો સંયુક્ત પ્રદેશ પ્રત્યેક અમીરાતનો વડો તે શેખ. કિનારાનાં થોડાં બંદરો સિવાય અંદરનો બધો પ્રદેશ તે રણવિસ્તાર. વચમાં ક્યાંક રણદ્વીપ (Oasis) હોય ત્યાં પીવાનું મીઠું પાણી અને હરિયાળી હોય. પગે ચાલીને કે ઊંટ પર સવારી કરીને રણમાં રખડનારાઓ, થાક્યાના વિસામા જેવા આવા રણદ્વીપને જોઈને હર્ષિત થઈ જાય. અમીરાતના એક વિશાળ રાજ્યનું કાળક્રમે વિભાજન થતાં સાત રાજ્યો થયાં. બધાં વચ્ચે સંપ. જ્યાં વસ્તી નથી એવા રણની રેતીમાં સરહદ આંકવાનું મોંધું, મુશ્કેલ અને અનાવશ્યક લાગે. ઇતર પ્રદેશમાં નદી, સરોવર, સાગર, ખીણ, પર્વત, જંગલ જેવી કુદરતી રચના સરહદ આંકવામાં ઉપયોગી થઈ પડે. પણ રણમાં સપાટ રેતીમાં શું કરવું ? રણમાં સરહદ પાંચપંદર કિલોમીટર આમતેમ હોય તો તેથી શો ફરક પડવાનો છે ? જૂના વખતમાં તો પોતાના રાજ્યની સરહદ જોવા જવાનું પણ કષ્ટભર્યું હતું. એટલે જ્યાં રેતીનો રંગ બદલાય ત્યાં સુધી પોતાનું રાજ્ય એવી સમજૂતી શેખો વચ્ચે સધાયેલી. જ્યાં કશું હોય જ નહિ ત્યાં સરહદનો સંઘર્ષ કરવાથી લાભ કરતાં નુકસાન વધુ થાય.
એંસી હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અબુ ધાબીના રાજ્યમાં મુખ્યત્વે રણપ્રદેશ છે. એમાં રેતીના મોટા મોટા ડુંગરાઓ જોરદાર પવનની ભમરી આવે ત્યારે એની સાથે એક સ્થળેથી ઊડીને બીજે સ્થળે એવા ઠલવાય કે જીવતો માણસ દટાઈ મરે. ડમરી આવે ત્યારે જીવ બચાવવા દોડવું પડે. દિવસે સખત ગરમીવાળી આવી વિકટ પરિસ્થિતિમાં જૂના વખતમાં તંબુઓમાં રહેતા અહીંના બધેયુઇન (Bedouin જાતિના લોકોએ સૈકાઓથી બહુ કપરું જીવન ગુજાર્યું છે. આ રણપ્રદેશમાં બે મોટા રણદ્વીપ તે અલ આઈન (A Ain) અને લિવા (Liva)માં ફળદ્રુપ જમીન અને હરિયાળી છે. શેખનું રહેઠાણ પણ ત્યાં જ રહેતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org