________________
શાહમૃગના વાડા
૧૩
‘એ લેવા જ હું ગયો હતો. કાંટા ભરાવેલા આ વાંસડાથી શાહમૃગને આદું રાખી શકાય. કાંટા વાગે એટલે એ આવતું અટકે અને પાછું ભાગે. અહીં વાડાના રખેવાળો પાસે આવું ઝરડું હોય. દરેકને એ રાખવું પડે. શાહમૃગને અંકુશમાં રાખવાનું કામ સહેલું નથી. કાચાપોચાને એ ગાંઠે નહિ. આપણા કરતાં એ ઊંચું રહ્યું. પોતાની લાંબી ડોક અને અણીદાર ચાંચથી એ ગમે ત્યાં જોરદાર પ્રહાર કરી શકે. વળી એના પગ પણ બહુ મજબૂત હોય છે. લાત મા૨વામાં તે પાવરધું છે. એની એક લાતથી આપણને તમ્મર આવી જાય. આપણે ભોંયભેગા થઈ જઈએ.’
કોઈ એકાદ મારકણું શાહમૃગ વીફરે ત્યારે કેટલું ક્રૂર થઈ શકે એની વાતો કરતાં કરતાં અમે અમારી બસ તરફ પાછા વળ્યા. બસ ચાલી અને હું વિચારે ચડ્યો. શાહમૃગની ક્રૂરતાની વાત થઈ એ સાચી, પણ દોઢેક સૈકાથી માનવજાતે શાહમૃગને વાડામાં પૂરીને જે ક્રૂરતા આચરી છે એનો ન્યાય કોણ કરે ? ત્યારથી શાહમૃગનું સ્વતંત્ર વિચરણ બંધ થયું અને વાડાનું જેલજીવન એના ભાગ્યમાં વણાઈ ગયું. મર્યાદિત ક્ષેત્રમાં તે ખાય, પીએ અને આનંદ કરે, પણ એની પુષ્ટતા ઇદના બકરા જેવી બની ગઈ. શાહમૃગનું સરેરાશ આયુષ્ય ૭૦-૭૫ વર્ષનું, પણ ત્રણચાર વર્ષે ભરાવદાર શરીરનું થયા પછી ભાગ્યે જ કોઈને વધુ જીવવા મળે. બાળવયમાં જ તે કતલખાને પહોંચી ગયું હોય અને તે પહેલાં પીંછાં ખેંચાતાં હોય ત્યારે લોહીની ટસરો સાથે એણે કેટલી વેદના અનુભવી હોય ! એને ડોક મરડીને, અથવા મોઢે કોથળી ભરાવીને ગૂંગળાવીને, ગોળીથી વીંધીને કે શસ્ત્ર વડે ડોક ઉડાવી દઈને મારી નાખવામાં આવે ત્યારે સમજદાર શાહમૃગ પોતાનું મોત આવ્યું છે એમ સમજી જઈને બધી તાકાતથી કેવું ઝૂઝતું, આક્રંદ કરતું હોય છે ! મનુષ્યને એની નિષ્ઠુરતાની વાત કોણ સમજાવે ?
શાહમૃગે સિત્તેર-પંચોતેર વર્ષનું પોતાનું સહજ આયુષ્ય ભોગવીને કુદરતી મોતને વરવું હોય તો કોઈ સારા પ્રાણીબાગમાં જવું જોઈએ.
એકલદોકલ શાહમૃગને પ્રાણીબાગમાં જોવું એ એક અનુભવ છે અને હજારો શાહમૃગોને વાડામાં જોવાં એ બીજો અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org