________________
૧૨
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પાછાં એ જ સ્થળે આવે. ચાર આફ્રિકન સવારો પોતપોતાનાં શાહમૃગ પર ગોઠવાઈ ગયા. સિસોટી વાગતાં તે એવાં દોડ્યાં કે છઠ્ઠ થઈ જઈએ. ઘડીકમાં તો બીજી બાજુથી તે બધાં પાછાં ત્યાં આવી પહોંચ્યાં. સ્પર્ધાની જાણે તેમને સમજ પડતી હોય એવો એમના ચહેરા પરનો ભાવ હતો. શાહમૃગને બે પગ છે, પણ ચોપગાં પ્રાણી કરતાં પણ તે વધુ ઝડપથી દોડી શકે છે. કલાકના ૪૦-૪૫ માઈલની ઝડપે દોડી શકનાર શાહમૃગ સ્પર્ધામાં ઘોડાને પણ હરાવી દે. છલાંગ ભરવામાં એની બે પાંખો એને મદદરૂપ બને છે. તેજ રફ્તારથી દોડવું હોય ત્યારે તે એક એક ડગલું વીસ-પચીસ ફૂટનું ભરી શકે છે. આથી જ જૂના વખતમાં વાહન તરીકે શાહમૃગનો પણ ઉપયોગ થયેલો છે.
જેઓને શાહમૃગની સવારીનો સ્વાદ માણવો હોય તેઓને માટે પણ ત્યાં વ્યવસ્થા હતી. શાહમૃગ પર ચડવા માટે ઊંચાં પગથિયાં બનાવ્યાં હતાં. અમારામાંના કેટલાકે એ મોજ પણ માણી.
અમે વાડાઓ વચ્ચેથી પસાર થતા હતા ત્યાં એક વાડામાં ફક્ત એક જ શાહમૃગને જોયું. ગાઇડને પૂછ્યું, “આમાં એક જ કેમ છે ?'
સમજાવું તમને. અહીં જ ઊભા રહેજો,’ એમ કહી ગાઇડ ક્યાંક ચાલ્યો. અમે ઝાંપો ખોલી વાડામાં દાખલ થયા. બીજે છેડે ઊભેલું શાહમૃગ ખાતાં ખાતાં અમારી સામે ટગર ટગર જોવા લાગ્યું. “ચાલો, આપણે એને પણ વહાલ કરીએ' એમ કોઈકે કહ્યું અને અમે શાહમૃગ તરફ ડગલાં માંડવા જઈએ ત્યાં તો ગાઇડ દોડતો આવ્યો. એણે જોરથી બૂમ પાડી, “ઊભા રહો, ઊભા રહો; જાઓ નહિ.' એના અવાજમાં ગુસ્સો અને ગભરાટ બંને હતાં. એના હાથમાં એક લાંબો વાંસડો હતો. વાંસડાના એક છેડે બાવળના શૂળ જેવા અણીદાર લાંબા કાંટાનું ઝૂમખું હતું. અમારી પાસે એ આવી પહોંચ્યો. એની આંખોમાં ઠપકો વંચાતો હતો. એ બરાડ્યો, “કેમ વાડામાં દાખલ થયા ? બહાર ઊભા રહેવા મેં કહ્યું હતું ને ?'
અમને લાગ્યું કે, “કોઈના વાડામાં રજા વગર દાખલ નહિ થવાતું હોય, પણ ભૂલમાં દાખલ થઈ ગયા તો તેમાં શો મોટો ગુનો થઈ ગયો ?' ત્યાં ગાઇડ બોલ્યો, તમને ખબર છે કે તમે અત્યારે કેટલું મોટું જોખમ ખેડ્યું? આ મારકણું શાહમૃગ છે. એટલે એને અહીં એકલું જુદું રાખ્યું છે. જો એ તમારા પર તૂટી પડ્યું હોત તો એકાદને લોહીલુહાણ કરી નાખત. કદાચ કોઈનો જાન પણ જાય. મારે માથે કેટલી મોટી નામોશી આવે ?'
ચૂપ રહેવામાં જ અમારે માટે ડહાપણ હતું. મેં વાત બદલવા પૂછુયું, “આ વાંસડો તમે કેમ લાવ્યા ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org